વિરોધ:બીલીમોરામાં જોડાવા 7 ગામનો વિરોધ, પાલિકામાં જોડવાની અટકળોને લઇ ધકવાડામાં મોટી સભા યોજાઇ

બીલીમોરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા નજીકના કેસલી ગામે બુલેટ ટ્રેનનું બીલીમોરા સ્ટોપેજ આવે છે. જે માટે પાણી અને શિવરેઝ લાઈનની જરૂરિયાત અનિવાર્ય હોય બીલીમોરા નગરપાલિકા દ્વારા આસપાસના 7 ગ્રામ પંચાયતોને પાણીની અને શિવરેઝની લાઈન લઈ જવા અંગેની સંમતિ આપવાનો પત્ર લખવામાં આવતા છેલ્લા લાંબા સમયથી 7 ગામને બીલીમોરા નગરપાલિકામાં સમાવવાની ચાલતી અટકળોએ જોર પકડતા આ સાતે ગ્રામ પંચાયતોએ એકસુરે નગરપાલિકામાં નહીં જોડાવા ધકવાડા મેદાનમાં મંગળવાર મોડી સાંજે એકસૂરે વિરોધ પ્રદર્શિત કરી શક્તિ પ્રદર્શન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ અમદાવાદથી મુંબઇ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું સ્ટોપેજ બીલીમોરા નજીકનું કેસલી આવે છે. જેમાં બુલેટ ટ્રેન સૌપ્રથમ સુરતથી બીલીમોરા વચ્ચે આવનારા વર્ષોમાં શરૂ થનાર છે જે માટે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. કેસલી ગામે બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આવનાર હોવાથી તે માટે 75 કિલોલિટર પ્રતિ દિન પાણી અને 75 કિલોલીટર પ્રતિદિન શિવરેઝ લાઈન ની જરૂરિયાત અનિવાર્ય હોય જે માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવા બીલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કેસલી, આંતલિયા, નાંદરખા, દેવસર, તલોધ, વલોટી, ધકવાડા ગ્રામ પંચાયતને પાણી અને શિવરેઝની લાઈન પસાર કરવા સંમતિ માંગતો પત્ર પાઠવી આ સુવિધા આપવા માંગણી કરી હતી.

આ પત્ર પાઠવતા 7 ગામને છેલ્લા લાંબા સમયથી બીલીમોરા નગરપાલિકામાં સમાવવાની ચાલતી અટકળો ફરી ચળવળી હતી. આ મામલો છેલ્લા કેટલાય સમયથી હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. આ પત્ર બાદ બીલીમોરા પાલિકાની હદ વિસ્તરણનો મામલો ગરમાયો છે. કેસલી, આંતલિયા, નાંદરખા, દેવસર, તલોધ, વલોટી, ધકવાડા ગામના સરપંચો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં બીલીમોરા પાલિકા વિરુદ્ધ ધકવાડા હેલીપેડ મંગળવાર મોડી સાંજે શક્તિ પ્રદર્શન કરી પાલિકામાં નહીં જોડાવાનો એકસુર દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં આગેવાનો અને સરપંચો અને 500 જેટલા ગ્રામજનો એકત્ર થતાં ગરમાટો વ્યાપ્યો હતો. હવે આ બાબતે આગામી દિવસોમાં શું પરિણામ આવે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...