વસૂલાત:બીલીમોરા નગરપાલિકાનો વેરો ન ભરનાર 6 દુકાનો સીલ કરાઇ

બીલીમોરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 501 લાખ વેરા માંગણા સામે હાલ સુધી 308.92 લાખની વેરા વસૂલાત

બીલીમોરા નગરપાલિકાએ ચાલુ નાણાંકીય વર્ષ 2022-23ના અને પાછલી બાકી મળી કુલ 501 લાખ વેરા માંગણા સામે હાલ સુધી રૂ. 308.92 લાખની વેરા વસૂલાત કરી છે. બાકી વેરાદારો સામે લાલ આંખ કરી વેરો નથી ભર્યો તેવી 6 દુકાનને સીલ મારવામાં આવ્યું છે.

બીલીમોરા નગરપાલિકાએ નાણાંકીય વર્ષ 2022-23ના વર્ષ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસ બાકી છે ત્યારે બીલીમોરા પાલિકાએ વેરા વસૂલાત માટે બાકી વેરાદારો સામે લાલ આંખ કરી છે. બીલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા રહેણાંક અને કોમર્શિયલ મિલકત ધારકો જેમની પાસે વર્ષ 2022-23 માટે ચાલુ વર્ષના રૂ. 363 લાખ અને પાછલા વર્ષના રૂ.138 લાખ વેરા માંગણા હતા. આ વેરા માંગણા સામે ચાલુ વર્ષના રૂ. 306 લાખ વેરા વસૂલાત અને પાછળની બાકી સામે રૂ. 57 લાખ વેરા વસૂલાત કરી છે. હજુ પણ પાલિકા બાકીદારો પાસે વેરો વસૂલવા મક્કમ છે.

પાલિકાએ વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે લાલઆંખ કરી નોટિસ ફટકારી સિલિંગની કાર્યવાહી પણ કરી રહી છે. જેમાં બાકી વેરાદારોને નોટીસ પાઠવવામાં આવી રહી છે. જે પૈકી નગરપાલિકાએ બાકી વેરાદારો પૈકી 6 દુકાનને સીલ મારી દેવાયું છે. બીલીમોરા પાલિકાની ટીમ 100 ટકા વેરા વસૂલાત માટે પ્રયત્નશીલ છે. પાલિકા તંત્રએ લાંબા સમયથી નોટિસને નહીં ગણકારનારા શહેરના રાજલક્ષ્મી પ્લાઝાની 3 દુકાન અને કલ્યાણ ચેમ્બરની 3 દુકાનને સીલ મારી દીધું હતું. પાલિકાએ આવી કાર્યવાહીથી બચવા સમયસર વેરો ભરી દેવા જણાવ્યું છે. જેમાં પાલિકાના સીઓના વડપણ હેઠળ પાલિકાના રામભાઈ, જસ્મીનભાઈ, ચંદ્રકાન્તભાઈ અને ટીમ 100 ટકા વેરો વસૂલ કરવા પ્રયત્ન કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...