ઉચાપત:આંતલિયાની ઓટોમોબાઇલ કંપનીના એકાઉન્ટ મેનેજરની 5.33 કરોડની ઉચાપત

બીલીમોરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના ભરેલા GST ટેક્સની રકમના અસલ વાઉચર ની જગ્યા પર ડુપ્લીકેટ GST વાઉચરો મૂક્યા હતા

બીલીમોરા નજીકના આંતલિયા જીઆઇડીસીમાં ઓટોમોબાઇલ્સના કેબલ અને વાયરો બનાવતી એ.સી. એન્જિનિયરીંગ કંપનીમાં બે વર્ષથી એકાઉન્ટ મેનેજર તરીકે વિશાલ પટેલ (રહે. મહારાજા બંગલો, આસુરા ચોકડી, ધરમપુર, જિ.વલસાડ)ની નિમણૂંક કરાઇ હતી. તેણે કંપની દ્વારા ભરવામાં આવતા જીએસટીમાં ગેરરીતિ આચરી મોટી ઉચાપત કરી હતી. તેણે કંપનીના ભરેલા જીએસટી ટેક્સની રકમના અસલ વાઉચર ની જગ્યા પર ડુપ્લીકેટ જીએસટી વાઉચરો મૂક્યા હતા. જેમાં જીએસટીમાં ભરેલી રકમ વધારે બતાવી ઓરીજનલ તરીકે દર્શાવી હતી અને અલગ અલગ સમયે તેની નોકરીના બે વર્ષના સમયગાળા દરમિયાન રૂ. 5.33 કરોડની ઉચાપત કરી હતી.

આ ઘટના અંગે કંપનીની હિસાબી શાખામાં કંપનીના હિસાબી ચોપડામાં ગેરકાયદેસર વ્યવહારો થયાનું જણાતા તેની તપાસ કરતા આ સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. કંપનીના બેંક ખાતામાંથી એકાઉન્ટન્ટ વિશાલ પટેલના ખાનગી ખાતામાં તેમજ તેની પત્નીના ખાતામાં ઘણી વખત મોટી રકમ ટ્રાન્સફર થયાનું માલુમ પડ્યું હતું. તેણે આ ઉચાપતની રક માંથી પોતાના અંગત વપરાશ, મિલકતો ખરીદવા, પોતાના અને પત્ની ડીકુબેનના બેંક ખાતામાં ટ્રાન્સફર કરીને ઉચાપત કર્યા હોવાનું જણાઈ આવ્યું હતું.

કંપનીમાં વિશાલ પટેલે તેની નોકરીના સમયગાળામાં સત્તાનો દુરુપયોગ કરીને કંપનીના કરોડો રૂપિયાની હેરાફેરી કર્યાનું તેણે કબૂલ કરી લઈ આ ઉચાપતના નાણાં પરત ભરી દેવાની તૈયારી બતાવી કંપનીને આ અંગેના એડવાન્સ ચેક લખી આપ્યા હતા. કંપની દ્વારા આ ચેકો બેંકમાં નાંખતા પણ તે ચેકો રિટર્ન થયા હતા. આરોપીએ કંપનીના સંચાલક આદિત્ય ચોકસી વિરુદ્ધ ધરમપુર પોલીસમાં એટ્રોસિટીની અરજી આપી હતી. તેણે ખોટા આક્ષેપો કર્યા બાદ ફીનાઇલ પીવાનો ડોળ કરી કંપનીના સંચાલકો ઉપર દબાણ લાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.

આ ઘટના અંગે કંપનીના એક્ઝિક્યુટીવ ડાયરેક્ટર આદિત્ય ચોકસી (ઉ.વ. 31, રહે. આલીપોરિયા સોસાયટી અને મુંબઇ)એ બીલીમોરા પોલીસમાં કંપનીના એકાઉન્ટ મેનેજર વિશાલ પટેલ તેની પત્ની ડીકુબેન વિશાલ પટેલ વિરુદ્ધ કંપનીના રૂ.5.33 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં બીલીમોરા પોલીસે વિશ્વાસઘાત છેતરપિંડીની ફરિયાદ નોંધી વિશાલ પટેલની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...