બીલીમોરા નગરપાલિકાની સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં શનિવારે સાંજે પ્રમુખ વિપુલાબેનના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. નવા નિમણુંક પામેલા સી.ઓ. વિજયભાઈ સાનેની પ્રથમ સામાન્ય સભા હોય સભાએ તેમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા. એજન્ડા મુજબના 39 અને વધારાના મળી કુલ 42 કામો રજૂ કરાયા હતા. વિપક્ષી સભ્ય મલંગ કોલીયાએ સભાની શરૂઆતથી શાસકો સામે પ્રશ્નોની ઝડી વરસાવી હતી.
જે કોન્ટ્રાકટરો કામો અધૂરા છોડી જાય છે જેના કારણે પાલિકાએ નુકસાની ઉઠાવવી પડે છે તેવા જ કોન્ટ્રાક્ટરને ફરી કામો અપાતા હોવાનું જણાવી બાકી રહેલા કામો તુરંત પુરા કરાવવા ટકોર કરી હતી. એજેન્ડામાં રજૂ થયેલ નગરપાલિકાના ડ્રાઇવર દ્વારા કામમાં બેદરકારી દાખવવા બદ્દલ ગેરશિસ્ત દાખવવાના કામ કારોબારી સમક્ષ રજૂ કરવાનું કહી બોર્ડને સીધો નિર્ણય નહીં લેવા જણાવ્યું હતું. પાલિકા દ્વારા સોમનાથ મેળા માટે 6.11 લાખમાં પાર્ટી પ્લોટની હરાજીથી ફાળવવામાં આવેલી જગ્યાનો ખુદ શાસક પક્ષના આરોગ્ય સમિતા ચેરમેન નરેશ પટેલે વિરોધ કરી પાલિકાના નિયામકને લેખિત ફરિયાદ કરી છે.
આ અંગે તેઓને પૂછતા તેઓ આ મુદ્દે તટસ્થ રહ્યાં હતા અને પોતે ફરિયાદ કર્યાનું કબૂલ્યું હતું. વિપક્ષના સભ્ય મલંગ કોલીયાએ તમામ કામોમાં દલીલો રજૂ કરી હતી. ગૌરવપથ ઉપર હયાત નાના ડિવાઈડર કાઢી તેના સ્થળે પહોળા ડિવાઇડર અને લાઈટ પોલ સાથે લાઈટ ફીટીંગ કરવાના કામ પ્રત્યે વિપક્ષે નારાજગી દર્શાવી હતી. રજૂ થયેલા વધારાના ત્રણ કામોમાં 72 લાખની ગ્રાન્ટના કામની સત્તા પ્રમુખને આપવામાં આવી હતી. તમામ 42 કામો વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.