કોરોના ઇફેક્ટ:બીલીમોરામાં M.Sc ફિઝીક્સના 40 છાત્ર ઘરઆંગણે પરીક્ષા આપી શકશે

બીલીમોરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સુરતમાં જ બે કેન્દ્રોની ફાળવણી કરાઈ હતી

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, સુરત દ્વારા મંગળવાર થી એમએસસી ફિઝીક્સ સેમેસ્ટર- 2 અને 4 ની શરૂ થતી પરીક્ષાઓ માટે સુરતમાં બે કેન્દ્રોની ફાળવણી કરાઈ હતી. જેને પગલે બીલીમોરા, ગણદેવી, નવસારી, વલસાડના વિદ્યાર્થીઓને પણ હાલના સંજોગોમાં દૂર જવું ન પડે તે માટે સેનેટ સભ્ય કિરીટ પટેલે લેખિતમાં માંગ કરી હતી. જે અગવડતા ધ્યાને લઇ યુનિવર્સિટી દ્વારા બીલીમોરા વી.એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સને પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરવામાં આવતા 40 જેટલા વિદ્યાર્થીઓ હવે ઘરઆંગણે પરીક્ષા આપી શકશે.

એમએસસી ફિઝીક્સ સેમેસ્ટર-2 અને 4 ની પરીક્ષાઓ માટે સુરત વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટીનું અને પી.ટી.સાયન્સ કોલેજ એમ માત્ર બે પરીક્ષા કેન્દ્રોની જાહેરાત કરાઈ હતી. જેને કારણે હાલના આ કોરોના કાળમાં સુરતથી દુર રહેતા વિદ્યાર્થીઓ કે જેઓ પણ આ પરીક્ષા આપવાના છે. તેમને માટે પરીક્ષા આપવા સુરત ખાતે જવું એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો. સુરત ખાતે જ પરીક્ષા કેન્દ્રો અપાતા સુરતથી 70 - 80 કી. મી. દૂર એવા બીલીમોરા, ગણદેવી, નવસારી અને વલસાડ જેવા વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા માટે અગવડતા ભર્યું હતું.

જે અગવડો ધ્યાને આવતા યુનિવર્સિટીના સેનેટ સભ્ય બીલીમોરાના કિરીટ પટેલે રજિસ્ટ્રારને લેખિત રજૂઆત કરી હતી. આ દૂરના વિદ્યાર્થીઓની અગવડતા દૂર કરવા નજીકમાં બીજું પરીક્ષા કેન્દ્ર ફાળવવા માંગ કરી હતી. જેને ધ્યાને લઇ યુનિવર્સિટીના પરીક્ષા નિયામકે વિદ્યાર્થીઓની અગવડતા દૂર કરવા બીલીમોરાની વી.એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં 40 પરીક્ષાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રની ફાળવણી કરી છે. જેને પગલે નવસારી, વલસાડ જિલ્લા પંથકના પરીક્ષાર્થીઓમાં અને પરિવારોમાં આનંદ વ્યાપી ગયો હતો. સુરત સુધી પરીક્ષા આપવાનો હાઉ દૂર થતાં હવે તેઓ બીલીમોરામાં મોકળા મને પરીક્ષા આપી શકશે.

અન્ય સમાચારો પણ છે...