બેઠક:ચિમોડિયા નાકા રેલવે ઓવરબ્રિજ સર્વિસ રોડના દુકાનધારકોને 3 દિવસનું અલ્ટીમેટમ

બીલીમોરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષથી ચાલતા બ્રિજના નીચેથી સર્વિસ રોડને નડતરરૂપ દુકાનોનું સ્થળાંતર કરવા મળેલી બેઠક
  • દુકાનધારકો હાઇકોર્ટમાં પહોંચ્યા હતા જેમાં કોર્ટે દુકાનધારકોને સાંભળવા માટે તાકીદ કરી હતી

બીલીમોરામાં છેલ્લા ચાર વર્ષથી ઓવરબ્રિજનું કામ ચાલે છે, જેના કારણે લોકો વર્ષોથી તકલીફ ભોગવી રહ્યાં છે. ઠેર-ઠેર ઓવરબ્રિજના પડેલા ખાડાના કારણે તો આમ તો પ્રજા ભારે પરેશાન છે. ચિમોડિયા નાકા, એસ.વી.પટેલ રોડ, એમ.જી.રોડ પર રહેતા લોકો ભારે ત્રાસદી ભોગવી રહ્યાં છે. હવે ઓવરબ્રિજનું કામ પૂર્ણ થવાના આરે છે. ટૂંક સમયમાં આ ઓવરબ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે.

ઓવરબ્રિજ નીચેથી સર્વિસ રોડ માટે હવે કામગીરી હાથ ધરવામાં આવી છે. રેલવેને અડીને 20 દુકાન સર્વિસ રોડ માર્જિનમાં આવે છે. આ નડતરરૂપ 20 દુકાનધારકોની દુકાનો અંગે પાલિકાએ દુકાનધારકોને નોટીસ મોકલાવી હતી. જે અંતર્ગત પાલિકા અને દુકાનધારકો વચ્ચે સોમવારે પાલિકા સભાખંડમાં બેઠક મળી હતી. જેમાં પાલિકાએ સર્વિસ રોડ આડે આવતી દુકાનો હટાવી ઓવરબ્રિજ નીચે દુકાન ફાળવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

આ બાબતે દુકાનદાર અને પાલિકા વચ્ચે સહમતી થઈ ન હતી. જે બાદ દુકાનધારકોને આગામી 17મી ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે આ અગાઉ પણ દુકાનધારકો હાઇકોર્ટે પહોંચ્યા હતા. જેમાં કોર્ટે દુકાનદારોને સાંભળી નિર્ણય લેવા સૂચના આપી હતી. જેના અનુસંધાનમાં બેઠક બોલાવી પાલિકાએ દુકાનદારોને સાંભળ્યા હતા. જોકે માત્ર આ એકજ સર્વિસ રોડનો પ્રશ્ન નથી આ બાદ હજુ એમ.જી.રોડ, ગણદેવી રોડના સર્વિસ રોડનો પ્રશ્ન પણ પેચીદો બનશે.

ઓવરબ્રિજ લોકાર્પણ બાદ નીચેના સર્વિસ રોડનો પ્રશ્ન યથાવત રહેશે ત્યારે વહેલી તકે ઓવરબ્રિજ બન્યા બાદ સર્વિસ રોડનું કામ પણ મુશ્કેલી સર્જશે. દુકાનદારો અને પાલિકા વચ્ચે સ્થળાંતરની બેઠકમાં પાલિકા પ્રમુખ વિપુલા મિસ્ત્રી, ઉપપ્રમુખ અશ્વિન પટેલ, કારોબારી ચેરમેન સુચેતા દુશાને, હરીશ ઓડ, મલંગ કોલીયા, ઇ.ચા. સી.ઓ. નીલકંઠ અણધણ, શહેર ભાજપ પ્રમુખ વિજય પટેલ પાલિકા ઈજનેર સંકેતભાઈ, દિવ્યેશભાઈ અને દુકાન ધારકો હાજર રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...