તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહતનો શ્વાસ:2500 લાખ લી. પાણી દરિયામાં વહી જતાં ખતરો ટળ્યો

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉપરવાસમાં પડેલા વરસાદથી સલામતી માટે અંબિકા દેવધા ડેમના 40मांમાંથી 20 દરવાજા ખોલાયા

બીલીમોરા નજીકના દેવસર ગામે અંબિકા નદી પર બાંધવામાં આવેલા દેવસરોવર યોજનાના દેવધા ડેમના 40માંથી 20 દરવાજા સલામતીના ભાગરૂપે ખોલી દેવાયા છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને કારણે અંબિકા નદીની જળ સપાટી વધી છે. દરવાજા ખોલાતા ડેમમાંથી 2500 લાખ લીટર પાણી દરિયામાં વહી જતા નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના ટળી છે. જોકે હાલ પૂરનો કોઈ ખતરો નથી. ગણદેવી તાલુકાના દેવસર અને દેવધા ગામે થઈ વહેતી અંબિકા નદી પર બાંધવામાં આવેલો દેવસરોવર દેવધા ડેમ ગણદેવી તાલુકાના લોકોની જીવાદોરી સમાન છે.

પીવાના પાણીનો અને ખેતી માટેના યક્ષપ્રશ્નો આ દેવધા ડેમના કારણે હલ કરી શકાયાં છે. દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે અંબિકા નદીમાં પાણીની સારી આવક થઈ છે. વર્તમાન વર્ષે દેવધા ડેમના પાણીનો ઓછા પ્રમાણમાં વપરાશ થયો હોય વિપુલ પ્રમાણમાં પાણી સંગ્રહિત છે. ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે અંબિકા નદીની સપાટી 4.910 મીટર સુધી પહોંચી હતી. દેવધા ડેમ પણ છલોછલ ભરાયો છે. અંબિકા નદીના કેચમેન્ટ વિસ્તારમાં 6450 લાખ લીટર જેટલું પાણી સંગ્રહિત થયું હતું.

આ સંગ્રહિત પાણીના કારણે તેમજ ઉપરવાસમાં હાલ ચાલી રહેલા વરસાદના કારણે દેવધા ડેમ નજીકના ગામો દેવસર, દેવધા, દેસાડ, વલોટી, તોરણગામ, કળિયારી ગણદેવી ધમડાછા, કછોલી, તલીયારા વગેરે અનેક ગામો અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સંભાવના ઉદ્દભવી શકે છે. જેને ધ્યાને લઇ દેવધા ડેમના ઉપર અને નીચેના મળી 1 મીટરની ઉંચાઈ ધરાવતા મુકવામાં આવેલા 40 દરવાજા પૈકી ઉપરના 20 દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. જેના કારણે નદીના કેચમેન્ટ વિસ્તારમાં સંગ્રહિત થયેલ લાખ લીટર પાણી છોડવામાં આવ્યું છે.

નદીના કેચમેન્ટ વિસ્તારમાં જો વધુ વરસાદ થાય તો નદીમાં પાણીનો ભરાવો વધે અને પૂરની આશંકા ઉદ્દભવે છે. જેથી આ ડેમના દરવાજા દર વર્ષે 15મી જૂન પછી ખોલી દેવામાં આવે છે. જે મુજબ આ વખતે વરસાદને ધ્યાને લઇ શુક્રવારે ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે. નદીમાં હાલ 3950 લાખ લીટર શુદ્ધ પાણીનો જળસંગ્રહ છે. આગળ વરસાદની સ્થિતિના આધારે બીજા બાકીના 20 દરવાજા ખોલવાની તજવીજ હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...