ચોમાસાની સિઝન ચાલી રહી છે તેમ છતાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જે બાદ ભારે બફારો પણ અનુભવાઈ રહ્યો છે. આ વરસાદ વચ્ચે ગણદેવી તાલુકામાં અલગ અલગ સ્થળેથી 19 ઝેરી-બિનઝેરી સાપો મળી આવ્યાં હતા. જેને નવસારી વાઈલ્ડલાઈફ વેલફેર ફાઉન્ડેશનના સભ્યોએ 19 ઝેરી-બિનઝેરી સાપને ઉગારી લોકોને ભયમૂક્ત કર્યા હતા.
ચોમાસુ દક્ષિણ ગુજરાતમાં સંતાકૂકડી રમી રહ્યો હોય તેમ ચોમાસાની સિઝનમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જેમાં હાલ સુધી ગણદેવી તાલુકામાં મોસમનો 31.68 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદ બાદ લોકો ભારે બફારો ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. પહેલા વરસાદ અને ત્યારબાદ જમીન તપતા ગરમીના કારણે જમીનમાંથી સરીસૃપો બહાર નીકળી રહ્યાં છે. ઝેરી-બિનઝેરી સર્પો બહાર નીકળતા લોકોમાં ભય ફેલાયો છે. છેલ્લા એક અઠવાડિયાથી 9 ઝેરી અને 10 બિનઝેરી પ્રકારના સાપ દેખાતા લોકોમાં ભય વ્યાપી ગયો હતો.
આ અંગે નવસારી વાઈલ્ડલાઈફ વેલફેર ફાઉન્ડેશનને જાણ થતાં તેમણે 19 સર્પોને ઉગારી લોકોને ભયમૂક્ત કર્યા હતા. આ 19 સર્પોમાં 9 કોબ્રા પ્રજાતિ નાગ, 1 ડેંડવો (પાણી સાપ), 1 વરુણદંતી, 3 અજગર, 3 રૂપસુંદરી, 2 બ્રોન્ઝબેક સાપને બચાવી લેવાયા હતા. આ સર્પો તાલુકાનાં આંતલિયા, ઉંડાચ, ભાટ, ભાઠા, દઢોરા, બીલીમોરા, વાઘરેચ, ગણદેવી, સાલેજ, રહેજ, કલવાચ, નાંદરખા ગામમાંથી મળી આવ્યાં હતા. સર્પોને ઝડપી લોકોને ભયમૂક્ત કર્યા હતા. તમામ સર્પોને ગણદેવી વનવિભાગને સોંપવામાં આવ્યાં હતા. જેમને હવે જંગલોમાં તેમના કુદરતી વાતાવરણમાં છોડી મૂકવામાં આવશે. અગાઉ પણ વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશનના સભ્યો દ્વારા ઝેરી-બિનઝેરી સાપ પકડીને તેને જંગલમાં છોડવાની પ્રવૃત્તિ થતી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.