• Gujarati News
  • National
  • The Tibetan Market, Which Has Been Selling Warm Clothes In Navsari For 35 Years, Is Not Cold.

ઠંડીના દિવસો પણ માર્કેટ ઠંડુ:35 વર્ષથી નવસારીમાં ગરમ કપડાનું વેચાણ કરવા આવતું તિબેટન માર્કેટ ઠંડી ન હોવાથી ઠંડુ, વેપારીઓની ચિંતા વધી

નવસારી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાને કારણે 2 વર્ષથી વેપારીઓ આવી શક્યા ન હતા કોરોના પહેલા સિઝનમાં માર્કેટ 10 લાખનું ટર્નઓવર ધરાવતી હતી

છેલ્લા બે વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાની અસર હેઠળ તમામ ઉદ્યોગધંધાની કમર તૂટી ગઈ છે. હાલમાં જ્યારે કોરોના નબળો પડ્યો છે, ત્યારે ઉદ્યોગ ધંધાની ગાડી પાટે ચઢી રહી છે. ત્યારે નવસારી જિલ્લામાં છેલ્લા 35 વર્ષથી ગરમ કપડા વેચવા માટે હિમાચલ પ્રદેશથી વેપારીઓનું જૂથ તિબેટીયન માર્કેટ નામ હેઠળ દુકાનો લગાવે છે અને આ વર્ષે પણ તેઓ ટાટાહોલ પાસેના પાર્કિગ પ્લોટમાં વેપારની શરૂઆત કરી છે. ત્યારે બે વર્ષ બાદ તેઓ નવસારી શહેરમાં આવીને ઉદ્યોગ ધંધાની શરૂઆત તો કરી છે, પરંતુ કુદરતે પણ તેમની પરીક્ષા લઈ રહ્યા હોય તેમ ડિસેમ્બરનો અડધો મહિનો વીતવા છતાં પણ ઠંડીનો ચમકારો ન વધતા માર્કેટ હાલ ઠંડુગાર જોવા મળી રહ્યું છે.

હિમાચલ પ્રદેશ રાજ્યના કાંગરા જિલ્લામાં વસેલા આ વેપારી પરિવારો સમગ્ર વર્ષ દરમિયાન હાથ અને મશીન દ્વારા સ્વેટર મેન્યુફેક્ચરિંગ કરે છે. જેમાં 500 જેટલા લોકો આ વેપાર સાથે સંકળાયેલા છે અને તેમની રોજીરોટી ચાલે છે. ત્યારે તેઓ દિવાળી બાદથી નવસારી જિલ્લામાં આવે છે અને ફેબ્રુઆરી માસમાં પાછા જતાં રહે છે. આ વખતે માર્કેટની સ્થિતિ કંઈ અલગ જ પ્રકારની જોવા મળી રહી છે. હાલમાં નવસારી જિલ્લામાં મિશ્ર પ્રકારના બેવડા વાતાવરણનો અહેસાસ થઇ રહ્યો છે. જેમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. જેને લઇને સીધી અસર આ ગરમ કપડા ના વેપાર પર પડી રહી છે દિવસ દરમિયાન એકલદોકલ ગ્રાહક આવતા વેપારીઓમા ચિંતા વધી છે. કોરોના પહેલા આ વેપારીઓ દર વર્ષે ઠંડીની સીઝનમાં આશરે 10 લાખ જેટલું ટર્નઓવર કરતા હતા, પરંતુ હાલમાં તેમને સારી કમાણી ના કોઇ અણસાર દેખાઇ નથી રહ્યા.

નીમા નામના વેપારી મહિલાના જણાવ્યાં મુજબ, તેઓ 36 વર્ષથી નવસારી જિલ્લામાં વેપાર કરવા માટે આવે છે, પરંતુ આ વખતે કુદરત પણ સાથ ન આપતું હોય તેમ ઠંડી ન વધી હોવાથી માર્કેટ નરમ જોવા મળી રહ્યું છે. છેલ્લા બે વર્ષથી તેઓ કોરોના હોવાને કારણે વેપાર કરવા માટે આવી શક્યા ન હતા, પરંતુ આ વખતે પણ માર્કેટની સ્થિતિ ઠંડી હોવાથી વેપારને લઈને ચિંતા વધી છે.

ચાર્મી ગામની યુવતીના જણાવ્યા મુજબ છેલ્લા, બે વર્ષથી આ વેપારીઓ કોરોનાને કારણે આવી શક્યા ન હતા, પરંતુ આ વખતે અમે તેમને કોઈ જ ખતરો ન હોવાને લઈને મનાવી લીધા હતા અને તેઓ અહીં વેપાર કરવા આવ્યા છે, પરંતુ અમને હવે ઓમિક્રોન વેરિઅન્ટની બીક લાગી રહી છે કે જો ફરિવાર લોકડાઉન આવ્યું તો શું કરશું?

અન્ય સમાચારો પણ છે...