તિલકવાડા તાલુકાના અગર ગામના યુવાનને યુવતીને ભગાડી જવાના ગુનામાં પીએસઆઇ તથા પોલીસકર્મીઓએ ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવ્યાં બાદ આદિવાસી સમાજના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક પગલાં ભરવાની માગ કરી છે.
અગર ગામનો યુવક ચોર મહુડી ગામડી ગામની યુવતીને ભગાડી ગયો હોવાની ફરિયાદ તિલકવાડા પોલીસ મથકે નોંધાઇ હતી.તિલકવાડા પોલીસ કર્મીઓ યુવકના પરિજનોને પોલીસ મથકે બોલાવી આખો દિવસ બેસાડી રાખી એક યુવકને ઢોર માર મારતા આદિવાસી સમાજના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ બાબતે યુવકના પરિવારજનોએ રાજપીપળાની કોર્ટમાં પીએસઆઇ સહિત અન્ય પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ પણ કરી છે.
આદિવાસી પરિવારને ન્યાય મળે અને પોલીસકર્મીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે ગુરૂવારે તિલકવાડા તાલુકાના આદિવાસી સમાજઅને અન્ય સમાજના આગેવાનોએ તિલકવાડા ચોકડી ખાતેથી રેલી યોજી મામલતદારને લેખિતમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં પોલીસના દમનની ઘટના સામે આવી છે.
યુવાનને માર મારવામાં આવતાં પરિવારે ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. બીજી તરફ નર્મદા એસપીએ ઘટનાની તપાસ કેવડિયાના ડીવાયએસપીને સોંપી હોવાનું જાણવા મળી રહયું છે. તિલકવાડા નગરમાં સવારથી આસપાસના ગામોમાંથી લોકો આવવાની શરૂઆત થઇ હતી. મામલતદાર કચેરીમાં ભેગા થયેલાં લોકોએ પોલીસ દમનના વિરોધમાં ભારે નારેબાજી પણ કરી હતી જેનાથી વાતાવરણ તંગ બન્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.