સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી આવી રહેલાં પાણીથી નર્મદા ડેમની સપાટી ઝડપથી વધી રહી છે. ડેમનું લેવલ જાળવી રાખવા માટે રીવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવતાં નર્મદા નદીમાં સરેરાશ 45 હજાર કયુસેક જેટલું પાણી ઠલવાય રહયું હોવાથી ગરૂડેશ્વર પાસે આવેલો કોઝવે સીઝનમાં પ્રથમ વખત ઓવરફલો થયો છે.
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ ઉપરવાસમાંથી આવી રહેલાં પાણીના કારણે પુર્ણ ભરાવાના આરે પહોંચી ગયો છે. ડેમમાં વિપુલ માત્રામાં પાણી આવી રહયું હોવાથી ડેમની સપાટી ઝડપથી વધી રહી છે. ડેમની સપાટી વધી રહી હોવાથી લેવલ જાળવી રાખવા માટે રીવરબેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇન ચાલુ કરાયાં છે.
રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇનમાં વીજ ઉત્પાદન બાદ સરેરાશ 45 હજાર કયુસેક જેટલું પાણી નર્મદા નદીમાં ઠલવાય રહયું છે. ડેમમાંથી આવતાં પાણીથી નર્મદા નદી બે કાંઠે વહેવા લાગી છે. નદીના જળસ્તર વધવાથી ગરૂડેશ્વર પાસે આવેલો કોઝવે ઓવરફલો થયો છે. કોઝવે હાલ એક મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહયો છે.
એક સપ્તાહ પહેલાં નર્મદા ડેમની સપાટી 110 મીટર કરતાં પણ ઓછી હતી પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ત્યાં આવેલાં મોટાભાગના ડેમ ઓવરફલો થવાની આરે પહોંચી જતાં દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવી રહયું છે. ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં સરેરાશ 3.50 લાખ કયુસેક જેટલું પાણી આવતાં હાલ ડેમની સપાટી 129 મીટરને પાર કરી ચુકી છે.
ડાઉનસ્ટ્રીમની સુરક્ષા માટે કોઝવેનું નિર્માણ
નર્મદા ડેમથી 12 કીમી દુર ગરૂડેશ્વર ગામમાં કોઝવે બનાવવામાં આવ્યો છે. નર્મદા ડેમ અને ગરૂડેશ્વર કોઝવે વચ્ચે 12 કીમીનું સરોવર બન્યું છે. આ સરોવરમાં હાલ ક્રુઝ પણ ચાલી રહી છે. કોઝવેની મહત્તમ સપાટી 31.75 મીટર છે અને તે હાલ એક મીટરની સપાટીથી ઓવરફલો થઇ રહયો છે. 12 કિમિ ના સરોવરમાં 89.મિલિયન ક્યુબીક મીટર જેટલું પાણી સંગ્રહિત રહે છે.
ભરૂચમાં સંભવિત પૂરનો ખતરો વધ્યો
નર્મદા ડેમની સપાટીમાં ઝડપથી વધારો થઇ રહયો છે. હાલ તો રીવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચલાવી ડેમનું લેવલ જાળવવામાં આવી રહયું છે. પણ જો ડેમના દરવાજા ખોલવાની નોબત આવશે તો ભરૂચમાં સંભવિત પુરનો ખતરો વધી જશે. ગત વર્ષે પણ ડેમમાંથી 10 લાખ કયુસેક પાણી છોડવામાં આવતાં ભરૂચ જળબંબાકાર થઇ ગયું હતું.
નર્મદાના નીર માછીમારો માટે આશીર્વાદરૂપ
ગરૂડેશ્વર કોઝવેમાંથી ઓવરફલો થઇને આવતું પાણી ભરૂચ થઇને દરિયામાં ભળી રહયું છે. ડેમમાંથી આવી રહેલાં પાણીથી નર્મદા નદીમાંથી ખારાશ દુર થઇ છે અને તેની સીધી અસર માછીમારીના વ્યવસાય પર પડી છે. નદીના પાણી મીઠા થતાં હજારોની સંખ્યામાં હિલ્સા માછલી નર્મદા નદીમાં આવતાં માછીમારો અને મચ્છીના વેપારીઓ માલામાલ થઇ ગયાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.