જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ:રાજપીપળાથી રામગઢ પુલ પર અવર જવર પર રોક છતાં તેનો ઉલ્લંઘન; પોલીસ તંત્ર આ બાબતે યોગ્ય પગલા લે તેવી માગ

નર્મદા (રાજપીપળા)18 દિવસ પહેલા

રાજપીપળાથી રામગઢને જોડતા પુલની હાલત અતિગંભીર હોવાના કારણે એકાદ વર્ષથી પુલ બંધ હાલતમાં છે. તેમજ મોરબી જેવી હોનારત ના સર્જાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડી પુલ પર અવર જવર માટે રોક લગાવવામાં આવી છે. તેમ છતાં તે જાહેરનામાનું ઉલ્લંઘન થતું હોવાથી પોલીસ તંત્ર આ ગંભીર બાબતે યોગ્ય પગલા લે તેવી માગ છે.

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાથી રામગઢને જોડતા પુલમાં અવાર નવાર ખામી આવતી હોવાથી આ પુલ એકાદ વર્ષથી બંધ જેવી હાલતમાં છે. જેમાં કરોડોનો ખર્ચ માથે પડ્યો હોવાની લોકચર્ચા છે. ત્યારે તાજેતરમાં મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટના બાદ સરકારે રાજ્યના તમામ નબળા પુલ પર અવર જવર પર રોક લગાવી છે. જેમાં રાજપીપળાથી રામગઢના આ પુલ માટે પણ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નર્મદા સી.એ.ગાંધીએ એક જાહેરનામું બહાર પાડી આ પુલ પરથી પગપાળા જતાં આવતા વ્યક્તિઓ કે નાના મોટા વાહનો માટે પુલ બંધ રાખવા એક મોટું સાઈન બોર્ડ મૂકી લોકોને ચેતવ્યા છે.

તેમ છતાં એકપણ દિવસ આ પુલ પરથી વાહનો કે પગપાળા અવર જવર બંધ થયો નથી. આજની તારીખે પણ મોટરસાઇકલ અને પગપાળા અવર જવર ચાલુ છે અને જાહેરનામા બાબતે કોઈ રોકટોક પણ નહીં હોવાથી બિંદાસ લોકો જોખમી પુલ પરથી પસાર થાય છે, તો પોલીસ તંત્ર આ ગંભીર બાબતે યોગ્ય પગલા લે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...