વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે મતદારો પણ જાગૃત બની જતા હોય છે. પોતાના ગામના વિકાસના પ્રશ્નો 5 વર્ષ સુધી કોઈ ઉકેલતું નથી. જયારે ચૂંટણી આવે છે, ત્યારે ઠાલાં વચનો આપીને ફરી જતા ઉમેદવારો મત લેવા આવે ત્યારે હવે મતદારો પણ ઉમેદવારો અને મતદારોને રોકડું ફરકાવી રહ્યા છે. જેમાં ડેડીયાપાડા વિધાનસભાની બેઠક માટે ડેડીયાપાડા તાલુકાના સમોટ ગામના ગ્રામજનોએ પોતાના ગામનો પ્રશ્ન નહીં ઉકેલાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી આપતાં ઉમેદવારોમાં ફફડાટ ફેલાયો છે.
ઢોલ વગાડી સરકારને ઢંઢોળવાનો પ્રયાસ
આવનારી વિધાનસભાની ચૂંટણીમાં નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના સામોટ ગામમાં ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. સામોટ ગામના તમામ આગેવાનોએ મતદાન નહીં કરવાનો નિર્ણય લીધો છે. માત્ર વિધાનસભા જ નહીં પણ આવનારી તમામ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ નિર્ણય લીધેલ છે. જે અનુસંધાને ચૂંટણી બહિષ્કારના પોસ્ટરો, બેનરો, ઢોલ નગારા વગાડી ગામમાં વિશાળ વિરોધ રેલી નીકળી હતી. ઢોલ વગાડી ઉમેદવારોને અને સરકારને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો.
જે ઉમેદવાર માગ પૂરી કરશે તેને મત આપીશું: ગ્રામજનો
ગ્રામજનોના જણાવ્યા અનુસાર સામોટ ગામના હાઉસિંગની જમીન જે લોકો 50 વર્ષથી ખેડાણ કરે છે, જે આદિવાસી પૂર્વ પટ્ટીનો વિસ્તાર છે. અતિ પછાત ગામડાઓના આદિવાસી લોકોની જે જમીન હતી એ જમીન હાઉસિંગ વાળાએ કબજો કરી પચાવી પાડી છે. ત્યારે જે પાર્ટીનો પાર્ટીનો ધારાસભ્યનો ઉમેદવાર સામોટ ગામને જમીન બાબતે ન્યાય અપાવવાનું કામ કરશે એમને જ વોટિંગ આપીશું એવું તમામ ગામના લોકોએ ઉમેદવારોને રોકડું પરખાવી દીધું છે. ગ્રામજનોની જે માંગ જે ઉમેદવાર પૂરી કરવાની ખાત્રી આપશે તેને જ મત આપીશું એમ જણાવ્યું છે.
જમીનો પરત અપાવવા રજૂઆત
રોષે ભરાયેલ ગ્રામજનોએ જણાવ્યું છે કે, આદિવાસીને જમીન જે પૂર્વજો અભણ હતા એ વખતે હાઉસિંગ વાળાએ બીજાને પૂછ્યા વગર સહી કરી આપી દીધેલ હતી. આજદિન સુધી સામોટ ગામના લોકોની માંગ પૂરી થઈ નથી. આમ જે આદિવાસીની જમીન અપાવે એવી માંગ સામોટ ગામના ગ્રામજનો કરી રહ્યા છે. હવે ઉમેદવારો કેવી રીતે ગામનો પ્રશ્ન ઉકેલશે એ હવે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.