કાળી પટ્ટી ધારણ કરી વિરોધ:વાસ્મોના કરાર આધારિત કર્મચારીઓએ વિરોધ નોંધાવ્યો; વાસ્મો સર્વિસ રુલ્સ 2002ના લાભથી કર્મચારીઓ વંચિત

નર્મદા (રાજપીપળા)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લામાં વાસ્મોના કરાર આધારિત કર્મચારીઓએ અગાઉ પોતાની પડતર માંગણીઓ મુદ્દે ગાંધીનગર હેડ ઓફીસ ખાતે આવેદન આપ્યું હતું. જેનો કોઈ હકારાત્મક જવાબ ન મળતા વાસ્મોના તમામ કર્મીઓએ આજે હાથ પર કાળી પટ્ટી પહેરી પોતાનો વિરોધ જાહેર કર્યો હતો.

વડાપ્રધાનના માર્ગદર્શનથી થઈ શરૂઆત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનથી વર્ષ 2002માં વાસ્મોની શરૂઆત કરવામાં આવેલ હતી. 'સૈનો સાથ, સૈનો વિકાસ' મંત્ર સાથે વાસ્મો દ્વારા દરેક ગ્રામ્ય સ્તરે પીવાના પાણીની લોક ભાગીદારીથી જળ યોજનાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. વાસ્મોમાં સરકારની લોકાભિમુખ ગ્રામ્ય પે જળયોજનાના અસરકારક અમલીકરણ માટે કરાર આધારિત કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હતી. વર્ષ 2002થી સતત ચાલતી આ કામગીરી માટે ત્રણ-ત્રણ વર્ષના કરાર બાદ સપ્ટેમ્બર 2014થી એક દિવસનો બ્રેક આપી 11 માસના કરાર કરાવીને આ કામગીરી કરાવવામાં આવી રહી છે. આટલા બધા વર્ષો થવા છતાં કર્મીઓને ફિક્સ પગાર મળતો હોવા છતાં કરાર આધારિત કર્મચારીઓ તરીકે કામ કરતા આવ્યા છે.

'નલ સે જલ' યોજના અંતર્ગત કર્મચારીઓનું ભગીરથ કામ
હાલમાં વસ્મોના કર્મચારીઓ દ્વારા નલ સે જલ કાર્યક્રમના ભાગરૂપે ગ્રામ્ય સ્તરે દરેક કુટુંબોને નળ કનેક્શનથી પીવાનું પાણી આપવાનું ભગીરથ કામ કરવામાં આવી રહ્યું છે. આ કામગીરી મિશન મોડમાં કરવામાં આવી રહી છે. રાજ્યના 20 જિલ્લાઓ 100% ઘર કનેક્શનથી પાણી મેળવતા થયા છે. જ્યારે બાકીના જિલ્લાઓમાં પણ આ કામગીરી પૂર્ણતાએ પહોંચાડવામાં આવી રહી છે. વાસ્મોની શરૂઆત કરવામાં આવી તે સમયે વાસ્મો સર્વિસ રુલ્સ 2002 મંજુર કરવામાં આવેલ હતો. જેનો લાભ મેળવવા માટે વાસ્મો કચેરીને સમયાંતરે રજૂઆત કરવા છતાં વાસ્મો કચેરી દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ મળેલ નથી તેમજ વાસ્મોની સ્થાપના બાદ કર્મચારીઓની નિષ્ઠાને કારણે અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળેલ છે.

કાળી પટ્ટી ધારણ કરી નોંધાવ્યો વિરોધ
આજે નલ સે જલની કામગીરી પણ નિષ્ઠા અને ખંત પૂર્વક કરવામાં આવી રહી છે, પરંતુ વાસ્મો દ્વારા કોઈ જ પ્રોત્સાહન કે બિરદાવીને લાભ આપવામાં આવતા નથી. જેથી આજે ઘણી રજૂઆતો કરવા છતાં અને આવેદનો આપવા છતાં કોઈ હકારાત્મક જવાબ મળતો નથી. માટે આજે તમામ કર્મચારીઓએ હાથ પર કાળી પટ્ટી ધારણ કરી વિરોધની શરૂઆત કરી હતી. આવનાર સમયમાં જો માંગણીઓ નહીં સંતોષાય તો પેન ડાઉન, તેમજ માસ સીએલ પર જઈ વિરોધ નોંધાવવાની પણ ચીમકી ઉચ્ચારી છે..

અન્ય સમાચારો પણ છે...