સમસ્યા:ભદામ સુધીના વિસ્તારમાં ખેડૂતોને પાણી માટે વલખાં

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નહેરોના તકલાદી બાંધકામથી સમસ્યા

નાંદોદ તાલુકાના રાજપીપળા અને ભદામથી પોઈચા વિસ્તારનાં ખેડૂતોને હાલ સિંચાઈ માટે પાણી મળતુ હોવાથી દયનીય હાલતમાં છે. કરજણ ડેમ જળાશય યોજનાની વિવિધ નહેરો ખંડેર હાલતમાં હોવા છતાં તંત્ર દરેક ગામોમાં સિંચાઇનું પાણી મળતું હોવાનો દાવો કરી રહયું છે.

નાંદોદ તાલુકામાં કરજણ નદી પર કરજણ ડેમ પર કરજણ જળાશય યોજના કાર્યરત છે.તેમાં જમણાં કાંઠની નહેર પર રૂઢ માઈનોર નહેર આવેલી છે.આ રૂઢ માઈનોર નહેર જ્યારથી કરજણ ડેમ જળાશય યોજના અસ્તિત્વમાં આવી છે ત્યારથી આ નહેર દ્વારા રસેલા, બીડ, નવાગામ ભીલવાડા, રૂઢ, નરખડી, પોઇચા, ગામડી, કોઠારા, જેસલપુર અને અન્ય વિસ્તારોમાં કરજણ ડેમ જળાશયોના સિંચાઇના પાણી ખેડૂતોને મળતા નથી.

આ વિસ્તારમાં નહેરો નામશેષ થઈ ગઈ છે, ખંડેર હાલતમાં છે તેમજ નહેરોની જગ્યાએ મોટી મોટી વનસ્પતિઓ અને ઝાડી ઝાંખરા ઉગી નીકળ્યાં છે. વર્ષો વીતી ગયા તે છતાં નવી નહેરો બનાવવામાં આવતી નથી.જેથી ખેડૂતોને ખાનગી બોર, કુવાઓ પરથી વધારે પૈસા ખર્ચીને સિંચાઇનું પાણી લેવું પડતું હોવાથી ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. ભદામ, તોરણા, ધાનપોર વિસ્તારમાં પણ નહેર દ્વારા ખેડૂતોને સિંચાઇના પાણી મળતા નથી.

સરકાર દ્વારા ખેડૂતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો તો થાય છે પણ ખેડૂતોને કરજણ ડેમ જળાશય યોજનાનું સિંચાઇનું પાણી મળતું નથી તેનું શું? એવા પ્રશ્નનો ખેડૂતો કરી રહ્યા છે. આ વિસ્તારમાં નહેરોની દુર્દશા તેમ છતાં ધારાસભ્ય કે સાંસદ સભ્ય આ વિસ્તારમાં ફરકતા ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળે છે.

કેનાલનું અસ્તિત્વ ભૂંસાઇ ગયાની સ્થિતિ
કરજણ ડેમના પાણી નર્મદા જિલ્લાના ગામડાઓ સુધી પહોંચે અને ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી મળી રહે તે માટે લાખો રૂપિયાના ખર્ચે કેનાલો બનાવવામાં આવી હતી પણ કેટલાય ગામોમાં કેનાલ બની ત્યારથી આજદિન સુધી પાણી જ આવ્યું નથી. ભદામ તેમજ આસપાસના ગામોમાં પસાર થતી કેનાલની કાળજી લેવામાં નહિ આવતાં તેમાં વનસ્પતિઓ ઉગી નીકળી છે અને તેના કારણે કેનાલ દેખાતી પણ બંધ થઇ ચુકી છે. આવા સંજોગોમાં કેનાલમાં પાણી આવશે કે કેમ તે પણ એક સવાલ છે.

અન્ય સમાચારો પણ છે...