રાજપીપળાની વૈષ્ણવ મહિલાઓ હાલ કૃષ્ણ ભક્તિમાં લીન થઈ હોળી મનાવી રહી છે. એક માન્યતા મુજબ કૃષ્ણએ ચાર સખીઓનું વૃંદ બનાવી ચાલીસ દિવસ સુધી હોળી મનાવી હતી. તે સંદર્ભે જ આ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ અને તેના બહેનો-ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણભક્તિમાં લીન થઈ રંગ અને ગુલાલની હોળી મનાવી કૃષ્ણભક્તિ કરે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે. 41માં દિવસને ડોલોત્સવ તરીકે ઉજવાય છે જેમાં ખાસ કરીને લઠ્ઠ હોળી ખૂબ જ પ્રખ્યાત છે.
રાજપીપળાની આદિત્ય-2 સોસાયટીમાં યોજાયેલ રસિયામાં વૈષ્ણવાચાર્ય ગોવિંદ બાવા પોતે હાજર રહીને મહિલાઓ પર પુષ્પવર્ષા કરી આશીર્વચન આપ્યા હતા. આ બાબતે વૈષ્ણવાચાર્ય ગોવિંદ બાવાએ જણાવ્યું હતું કે, વૃંદાવનમાં પરંપરાગત હોળીનો ઉત્સવ ઉજવાય છે. તેવી જ રીતે અહીંયા રાજપીપળા સહિત દેશ વિદેશમાં વૈષ્ણવો કૃષ્ણભક્તિમાં તરબોળ થઈને રસિયા રમતા હોય છે. રાજપીપળા નગરમાં વિવિધ મહિલા મંડળો દ્વારા વાડીઓમાં, મહોલ્લાઓમાં ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાય છે. કૃષ્ણ ભક્તિમાં મગ્ન બની વૈષ્ણવ સમાજની બહેનો હોળી પૂર્વે રસિયાનો ઉત્સવ 40 દિવસ સુધી ઉજવે છે.
આટલા દિવસ અબીલ ગુલાલથી રમે તો મુશ્કેલી થાય એટલે ફૂલોથી રમવામાં આવે છે. દરેક ફળિયાઓના મંદિરો અને શેરીઓ મહિલાઓ એક બીજાને રંગબેરંગી ફૂલોથી સ્વાગત કરી ઢોલ સાથે કૃષ્ણ ભગવાન ના ગીતો ગાય છે. ધાણી, ટોપરાંની મીઠાઈ, ખજૂરનો પ્રસાદ વહેંચે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.