કાર્યક્રમ અટકાવતાં લોકો ભડક્યા:ડેડીયાપાડા ખાતે યોજાનારો બિરસામુંડાની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ અટકાવાયો; આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી

નર્મદા (રાજપીપળા)16 દિવસ પહેલા

આવતીકાલે મંગળવારે ડેડીયાપાડા ખાતે આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાવાનો હતો. જેને નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા અટકાવવાનો પ્રયાસ કરતાં આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકા મથકે સ્થાનિક આદિવાસી સમાજનાં એકતાના ભાગરૂપે આવતીકાલે એટલે કે 13 સપ્ટેમ્બરના રોજ બિરસામુંડા માર્ગ સમિતિ દ્વારા બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આજે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાલ આ કાર્યક્રમ અટકાવવામાં આવ્યો છે. નેશનલ હાઇવે ઓથોરિટીના SOનું કહેવું છે કે અહીંના આ વિસ્તારના લોકો માટે આ એક ધાર્મિક કાર્યક્રમ છે, પરંતુ તેમણે પ્રતિમાના અનાવરણની પરમિશન નેશનલ હાઇવે ઓથોરિટી પાસેથી નથી લીધી, માટે આ એક ગેરકાનૂની પ્રવૃત્તિ છે. હાલ આ કાર્યક્રમને અટકાવાયો છે. જો તેઓ આગામી અમયમાં અમારી પરમિશન લેશે અને અમે પરમિશન આપીશું ત્યારબાદ તેઓ આ કાર્યક્રમ કરી શકશે.

બીજી બાજુ બિરસામુંડા સ્મારક સમિતિ ડેડીયાપાડાનું કહેવું છે કે સ્થાનિક તંત્ર દ્વારા લેવામાં આવતી તમામ પરવાનગીઓ અમે લઈ લીધી છે. આદિવાસી આગેવાનો દ્વારા અગાઉ હાઇવે ઓથોરિટીની મુલાકાત સમયે તેમણે જણાવેલું કે આ કાર્ય અમારા વિસ્તારમાં નથી આવતું અને હવે આવતીકાલે જ્યારે આ કાર્યક્રમ યોજવાનો છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટીના SO તેમની ટિમ સાથે તેમજ ખુબજ મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે અમારો આ કાર્યક્રમ અટકાવવા આવ્યા છે, એ યોગ્ય નથી. હાલ તો આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે, જો કે કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ડેડીયાપાડા ગામ આખું પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે.

કોના ઈશારે હાઇવે અથોરિટી કાર્યક્રમ અટકાવવાનો પ્રયાસ કરી રહી છે? કોના ઈશારે કાર્યક્રમ પહેલા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણી ફેરવાઈ ગયું.? જેવાં અનેક સવાલો વચ્ચે આદિવાસી સમાજ કોઈપણ ભોગે ડેડીયાપાડા ખાતે બિરસા મુંડાની પ્રતિમાનુ અનાવરણ કરશે તેમ આદિવાસી આગેવાનો કહી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...