રાજપીપળા નગરપાલિકાની સમીક્ષા બેઠક:TP સ્કીમ હેઠળ પાલિકાની આજુબાજુના ગામડાઓ જોડી પાલિકામાં સમાવેશ કરવા સૂચના અપાઈ

નર્મદા (રાજપીપળા)16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી વિનોદભાઇ મોરડીયાની અધ્યક્ષતામાં અને પ્રાદેશિક કમિશનર-સુરતના અરવિંદ વિજયન (IAS)ની ઉપસ્થિતિમાં રાજપીપળા સરકીટ હાઉસનાં સભાખંડ ખાતે ભરૂચ અને નર્મદા જિલ્લાની મળી 5 નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચીફ ઓફિસરો તેમજ અમલીકરણ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં મંત્રીએ સરકારની વિવિધ યોજનાઓ અને તેના અમલીકરણ અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાં લોકસુખાકારી માટે અમલી બનાવાયેલી સરકારની વિવિધ યોજનાઓ અને તેમાં થઇ રહેલી કામગીરીની અમલીકરણ અધિકારીઓએ મંત્રી સમક્ષ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી આંકડાકીય માહિતી પ્રસ્તુત કરી હતી. જેમાં રોડ રિસર્ફેસિંગ, રખડતા ઢોરને પકડવા, દબાણો દૂર કરવા, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નલ સે જલ યોજના, અમૃત યોજના-અમૃત સરોવર યોજના, સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના,14 મું અને 15 મું નાણાંપંચ, વેરા વસુલાત, આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવા મુદ્દાઓની વિસ્તૃતમાં સમીક્ષા કરવામાં આવી હતી.

આ તબક્કે લોકોની પ્રાથમિક જરૂરિયાત સાથે નલ સે જલની સુવિધા અંગે ચર્ચા સાથે પાણીના સ્રોતને બચાવવા માટે ખાનગી સોર્સથી પાણીનો વપરાશ કરતા લોકોને પણ નલ સે જલ યોજના અંતર્ગત સમાવેશ કરી નળ જોડાણથી પાણી આપી ખાનગી સોર્સથી વધુ પડતા પાણીનાં થતા વપરાશને રોકી જળ સ્તર ઉંડા જતા અટકાવીને ભાવી પેઢીની ચિંતા કરી તેમને પણ પાણીનો પૂરતો જથ્થો મળી રહે તેવું સુચારૂં આયોજન કરી તેની વ્યવસ્થા ઉભી કરવા મંત્રીએ અમલીકરણ અધિકારીઓ, પદાધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતાં.

મંત્રી વિનોદભાઇ મોરડીયાએ વધુમાં ટાઉન પ્લાનીંગ (TP) ની યોજનાઓ ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે, ભરૂચ અને અંકલેશ્વર શહેર ઔદ્યોગિક દ્રષ્ટિએ વિશ્વ ફલક ઉપર પોતાની નામના ધરાવે છે. ત્યારે આ બન્ને શહેરોમાં TP નો વ્યાપ વધારવામાં આવે અને નગરપાલિકાના વિસ્તારનું વર્ગ વિસ્તરણ કરી નવા ગામોને પણ પાલિકા વિસ્તારમાં સમાવેશ કરી લોકસુખાકારીમાં વધારો કરવા અને શહેરના વિકાસને વધુ વેગવંતો બનાવી બન્ને જિલ્લાની બાકીની નગરપાલિકાઓ પણ પોતાના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગની સ્કીમ લાગુ કરી લોકસુખાકારીમાં વધારો કરવા માટે પ્રયાસો કરવા તેમણે ઉપસ્થિત સૌને ખાસ અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...