જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધા વધુ સુઘડ બને તેવા હેતુ સાથે ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ-કાકરાપાર (NPCIL) ના CSR ચેરમેનશ્રી એન.જે.કેવટ, મેડિકલ ઓફિસર ડૉ. કૃણાલભાઈ ચૌહાણ અને સહાયક જન સંપર્ક અધિકારી હિતેશભાઈ ગામીતે આજરોજ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ, રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉ. જ્યોતિબેન ગુપ્તા, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડેની ઉપસ્થિતિમાં સિવિલ હોસ્પિટલ રાજપીપલા માટે રૂ.18.24 લાખ, SDH ગરુડેશ્વર માટે રુ. 13લાખ અને SDH દેડિયાપાડા માટે રૂ17.20 લાખ મળી કુલ- રૂ.48.44 લાખનાં MOU સાઈન કરવામાં આવ્યાં હતા.
ડીપ ફ્રીઝ, ડેન્ટલ એક્સ-રે, ઓર્થોપેડિક ડ્રીલ મશીન જેવા ઉપકરણો ઉપલબ્ધ થઈ શકશે
નર્મદા જિલ્લામાં આરોગ્યલક્ષી જન સુખાકારી માટે સાઈન થયેલા MOU થકી રાજપીપલા સિવિલ હોસ્પિટલ, ગરૂડેશ્વર એસડીએસ હોસ્પિટલ અને દેડીયાપાડાની એસડીએચ હોસ્પિટલમાં વિવિધ અત્યાધુનિક સાધનોની ખરીદી કરવામાં આવશે. જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લાનાં હેલ્થ સેકટરને ઓપરેટીંગ ટેબલ, ECG મશીન, ફુલ્લી બાયો કેમેસ્ટ્રી અનેલાઈઝર, ડીપ ફ્રીઝ, ડેન્ટલ એક્સ-રે, ઓર્થોપેડિક ડ્રીલ મશીન, બેબી વર્માર, એનેસ્થેસિયા મશીન વગેરે જેવા અધ્યતન આરોગ્ય વિષયક સાધનોની સુવિધા ઉપલબ્ધ થઇ શકશે.
જિલ્લાની મુલાકાત લઈ સર્વે કરવામાં આવ્યો
ન્યૂક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ-કાકરાપાર (NPCIL) ના CSR ચેરમેનશ્રી એન.જે. કેવટે જણાવ્યું હતું કે, કાકરાપારના અણું જ મથકની CSR એક્ટિવિટી હેઠળ અમે લોકઉપયોગી અને શિક્ષણ, આરોગ્ય, ઇન્ફ્રાસ્ટ્રકચરને લગતા અનેક કામો કરી રહ્યાં છીએ. દરમિયાન નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી સાથે અગાઉ થયેલી ચર્ચામાં એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ અંતર્ગત આરોગ્યલક્ષી સુવિધાઓ અંગેના મુદ્દા સામે આવ્યાં હતા. જે બાદ અમારી ટીમ દ્વારા જિલ્લાની મુલાકાત લઈને સર્વે કરવામાં આવ્યો હતો. તે સર્વેમાં સામે આવેલી વિગતો બાદ આરોગ્યની સુવિધા માટેના સાધનો ખરીદવાની જરૂરિયાત જણાતા થર્મલ પાવર સ્ટેશન દ્વારા આ સુવિધા પુરી પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ સાધનો ખરીદવા માટે CSR એક્ટિવિટી અંતર્ગત રૂપિયા 48.44 લાખનું ભંડોળ નર્મદા જિલ્લામાં આપવા માટે નક્કી કરાતા તેના માટેના MOU આજરોજ જિલ્લા કલેક્ટર ડી.એ.શાહની ઉપસ્થિતમાં કરવામાં આવ્યાં છે. આ રકમ આગામી સમયમાં રાજપીપલા, ગરૂડેશ્વર અને દેડીયાપાડાની હોસ્પિટલોમાં મેડિકલ ઈક્વિપમેન્ટની ખરીદી અર્થે ફાળવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.