દેશની આઝાદીને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશભરમાં 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નર્મદા જિલ્લાના SOU-એકતાનગરના ઓડિટરીયમ ખાતે કેન્દ્રીય ઉર્જા વિભાગ-NTPC-ભરૂચ-(ઝનોર-ગંધાર) તથા ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવાની અધ્યક્ષતામાં 'ઉજ્જવલ ભારત, ઉજ્જવલ ભવિષ્ય' પાવર@47 વિષયક જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
કિસાન સૂર્યોદય યોજના દ્વારા ખેડૂતોને રાત્રી ઉજાગરામાંથી મુક્તિ મળી
દીર્ઘદ્રષ્ટિના કારણે 2015માં શરૂ કરેલી ઉજાલા યોજનાની નાની પહેલે ખૂબ મોટુ પરિણામ આપ્યું છે. યોજના હેઠળ લોકોને વિજળીનો ઓછો વપરાશ કરતા બલ્બ આપવામાં આવ્યા હતા. જેના ઉપયોગથી વિજ બિલ ઘટ્યું છે અને પર્યાવરણના જતનમાં પણ તે એક સરાહનીય પહેલ સાબિત થઈ છે. કિસાન સૂર્યોદય યોજના દ્વારા પણ ખેડૂતોને રાત્રી ઉજાગરામાંથી મુક્તિ મળી છે.
યોજનાઓથી જિલ્લાવાસીઓને અવગત કરાવવામાં આવ્યા
કેન્દ્ર-રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે આયોજિત વિજળી મહોત્સવની ઉજવણીનો હેતુ વિજ ક્ષેત્રે હાંસલ કરેલ સિદ્ધિઓ-પ્રગતિ, ખેતીવાડી તેમજ ઉદ્યોગો, કારખાનાઓ, અન્ય સર્વિસ એકમો, ઘરે-ઘર, ગામડાઓ, અંતરિયાળ વિસ્તારના માનવીઓ સુધી પહોંચાડેલી વિજ સુવિધાઓ, વિજળી ઉત્પાદનને મળેલ ઝડપી વેગ તેમજ રાજ્ય-રાષ્ટ્ર્રના વિજ માળખાને વધુને વધુ સુદ્રઢ અને અદ્યતન બનાવી અનેકવિધ વિકાસલક્ષી કામો તેમજ પ્રજાજનો માટે અમલી બનાવેલી યોજનાઓથી જિલ્લાવાસીઓને અવગત કરાવવામાં આવ્યા હતા.
વીજ ક્ષેત્રે થયેલી પ્રગતિથી લોકોને માહિતગાર કરાયા
રાજ્ય-રાષ્ટ્રના વિકાસમાં ઉર્જા ક્ષેત્રની ભૂમિકાની શોર્ટફિલ્મ અને નુક્કડ નાટક તેમજ નૃત્ય રજૂ કરી મનોરંજન સાથે વિજ ક્ષેત્રે થયેલ પ્રગતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિજ વિભાગની યોજનાના લાભાર્થીઓને પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યુત ક્ષેત્રે પ્રગતિ અને વર્ષ-2047 સુધીની અપેક્ષાઓ વિષે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સરપંચો, પ્રજાજનો તેમજ ખેડૂતો સાથે ચર્ચા કરાઈ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.