વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નર્મદા જિલ્લાને મળેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અમૂલ્ય ભેટ વિશ્વફલક પર આંતરરાષ્ટ્રીય પ્રવાસનનું મુખ્ય કેન્દ્રબિંદુ બની રહ્યું છે. જ્યાં ભારત દેશની એકતા અને અખંડિતતાના પ્રતિક, લોહપુરુષ એવા સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા છે. જેની મુલાકાત લઈ આજરોજ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં આવી પહોંચતા ગાઈડ જુલી પંડ્યાએ રાજ્યપાલ કોશિયારીને સમગ્ર સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિરાટત્વની ઝીણવટભરી જાણકારી પુરી પાડી સરદાર સાહેબના જીવનની ઝાંખી કરાવતા પ્રદર્શનની મુલાકાત કરાવી હતી. જ્યાં તેઓએ સરદાર સાહેબના જીવન-કવન અંગેનું તસ્વીરી પ્રદર્શન રસપૂર્વક નિહાળ્યું હતું. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ 45 માળની ઉંચાઇએ આવેલી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી તથા પ્રતિમાના હૃદય સ્થાનેથી વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી આનંદિત થયા હતા. વધુમાં રાજ્યપાલે બાળકો સાથે સમય વિતાવી હળવાશની પળો પણ માણી હતી.
સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પોથીમાં પોતાના પ્રતિભાવો પ્રકટ કરતા માનનીય રાજ્યપાલે જણાવ્યું કે, નર્મદાના કિનારે સાતપુડા અને વિધ્યાંચલના સંગમ પર દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પરિકલ્પનાથી નિર્મિત સમગ્ર રાષ્ટ્રને એકસૂત્રમાં બાંધનાર, અખંડ ભારતના નિર્માતાની આ અભૂતપૂર્વ પ્રતિમા અપ્રતિમ છે. જે યુગો-યુગો સુધી ભારતને એકસૂત્રમાં બાંધવાનું કામ કરશે એવો ભાવ વ્યક્ત કર્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ રાજ્યપાલે સરદાર સરોવર નર્મદા ડેમની મુલાકાત લીધી હતી. જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના જનસંપર્ક અધિકારી રાહુલ પટેલે ડેમની તકનિકી જાણકારી પુરી પાડી હતી.
માનનીય રાજ્યપાલની આ મુલાકાત પ્રસંગે નાંદોદના પ્રાંત અધિકારી શૈલેષ ગોકલાણી, જિલ્લા આયોજન અધિકારી એસ.એસ.પાંડે સહિત જિલ્લા વહિવટીતંત્રના અધિકારી-પદાધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ વેળાએ SOU ઓથોરિટીના નાયબ કલેક્ટર ઉમેશ શુકલાએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફીટેબલ બુક ભેટ આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.