રાષ્ટ્રીય કારોબારીની બેઠક:દેશમાં આદિવાસી વસ્તી ઓછી કરવાનું વિદેશનું મોટું ષડ્યંત્ર છે: બિશ્વેશ્વર ટુડુ

રાજપીપળા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી-1માં 3 દિવસની ભાજપ એસ.ટી મોર્ચાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક પૂર્ણ

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટ સિટી 1 ખાતે 3 દિવસની ભાજપ એસ.ટી મોર્ચાની રાષ્ટ્રીય કારોબારીની બેઠક 11 મી એ બપોરે પૂર્ણ થઈ હતી. 3 દિવસ યોજાયેલી આ બેઠકમાં રાષ્ટ્રીય સંગઠનના મહાસચિવ બી. એલ. સંતોષ, ભાજપ આદિજાતિ મોરચાના રાષ્ટ્રિય અધ્યક્ષ સમીર ઉરાવ, ગુજરાત ભાજપ એસ.ટી મોરચા પ્રમુખ હર્ષદ વસાવા, કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી ટુડુ સહીત ભાજપનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમા આદિવાસીઓમાં ધર્માંતરણ સહીત વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ થઈ હતી.

કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી બિશ્વેશ્વર ટુડુએ જણાવ્યું હતું કે જે આદિવાસી વિસ્તારમાં પાણી, આરોગ્ય અને શિક્ષણની સુવિધા ન હોય એવા વિસ્તારના આદિવાસીઓને લાલચ આપી ધર્માંતરણ કરાવાય છે.ધર્માંતરણ કરાવવા માટે એજન્ટો નિમેલા હોય છે, એમને એક વ્યક્તિને ધર્માંતરણ કરાવવા માટે કમિશન મળે છે કેટલાકને તો મહિને પગાર મળે છે અને વર્ષને અંતે બોનસ મળે છે. આ વિદેશનું મોટું ષડયંત્ર છે, દેશમા આદિવાસી વસ્તી ઓછી કરવા માટે આમ કરવામાં આવે છે.અમુક વખત એજન્ટો ધર્માંતરણ એવી રીતે કરાવે છે કે તેઓ પકડાતા પણ નથી.

જે આદીવાસી ધર્માંતરણ કરશે એને આદિવાસીના કોઈ પણ લાભ નહિ મળે, જો તેઓ અન્ય ધર્મ છોડી પોતાના મૂળ ધર્મમાં પાછા આવશે તો એમને આદિવાસીના લાભ મળશે. આદિવાસીઓમાં શિક્ષણ મુદ્દે જણાવ્યું હતું કે આજના હરીફાઈના યુગમાં ટકી રહેવા અને આગળ આવવા આદિવાસીઓએ સ્થાનિક ભાષાથી થોડા ઉપર આવી હિન્દી, અંગ્રેજી સહીતની રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષા શિખવી પડશે.આદીવાસીઓનું શૈક્ષણિક સ્તર ઊંચું લાવવા માટે દેશ ભરમાં 700 થી વધુ એકલવ્ય મોડેલ સ્કૂલોનું નિર્માણ કાર્ય હાલ ચાલી રહ્યું છે.

સંગઠનમાં કેવી રીતે સુધારો કરવામાં આવે તે બાબતે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી
આ કારોબારી બેઠકમા રાષ્ટ્રીય સ્તર પર આદિજાતિ મોરચાના સંગઠનમાં કેવી રીતે સુધારો કરવામાં આવે તે બાબતે વિશેષ ચર્ચાઓ કરાઇ હતી.ભારત સરકારમાં આદિજાતિ મંત્રાલય જનજાતિ માટે કયા કયા કામ કરી રહી છે તે બાબતે પણ ચર્ચાઓ કરાઇ હતી.આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણીમાં આદિજાતિ મોરચો લોકો સુધી રાજય અને ભારત સરકારે જનજાતિ સમાજ માટે કરેલા કર્યોને લોકો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપાઇ છે. > બિશ્વેશ્વર ટુડુ,કેન્દ્રીય આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી

અન્ય સમાચારો પણ છે...