તિલકવાડાના એક ગામની ઘટના:સગીરાને લગ્નની લાલચે ગર્ભવતી બનાવી યુવાને તરછોડી દેતાં ઝેરી દવા પી આપઘાત

રાજપીપળા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપી સામે દુષ્કર્મનો ગુનો નોંધાયો

નર્મદા જિલ્લાના તિલકવાડામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. બે દિવસ પહેલાં ઝેરી દવા પી જનાર સગીરાને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવી ત્યારે તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જો કે સારવાર દરમિયાન સગીરાએ દમ તોડી દીધો હતો. યુવતીને લગ્નની લાલચે ગર્ભવતી બનાવી દેનારા યુવાન સામે દુષ્કર્મ અને પોસ્કો એકટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવાર નવાર દુષ્કર્મ કરી ગર્ભવતી બનાવતા દીકરીના પિતાએ તિલકવાડા પોલીસ મથકે તિલકવાડાના એક ગામના મિતેશ બારીયા વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે મીતેશ બારીયા સામે બળાત્કાર અને પોકસો ની કલમ મુજબ ગુનો દાખલ કર્યો હતો.

જો કે બે દિવસ પહેલા જ આ દિકરી એ ઝેરી દવા પી લીધી હોવાથી તેને સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સારવાર દરમિયાન તેની સોનોગ્રાફી કરાવવામાં આવતાં તે ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. જેથી સગીરાના પિતાએ આરોપી યુવાન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી સગીરાએ આજે મંગળવારે સવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. સગીરાના દવા પી જવાના કિસ્સામાં પોલીસે પહેલાં ઝેરી દવા પી જવાની ફરિયાદ નોંધી હતી. હવે આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટ હેઠળ ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...