નર્મદાના વડા મથક રાજપીપળા શહેરમાં એસટી ડેપો સામે બનેલા મહિલા પોલીસ સ્ટેશન ઉદ્ઘાટનની રાહ જોઈ રહ્યું છે. જોકે ત્રણ વર્ષથી તૈયાર થયેલું આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન ટલ્લે ચઢવા પાછળ કોઈ મંત્રીના હસ્તે ઉદ્ઘાટનનો મોહ હોવાની પણ ચર્ચા છે.
અગાઉ થોડા સમય પહેલા આ પો.સ્ટે.નાં ઉદ્ઘાટનની તમામ તૈયારીઓ થઈ હતી. ત્યાં મંડપ અને શણગાર પણ કરાયો હતો. જેમાં ઘણા રૂપિયાનો ખર્ચ થયો, પરંતુ જાણવા મળ્યા મુજબ જે મંત્રીના હસ્તે ઉદ્ઘાટનનો મોહ રખાયો હતો. એ મંત્રી કોઈક કારણોસર નહીં આવતા ઉદ્ઘાટન કેન્સલ થયું અને ત્યાં મંડપ સહિતનો ખર્ચ માથે પડ્યો હતો.
આ વાતને પણ ઘણો સમય વિતી ગયા બાદ પણ આજની તારીખે આ પો.સ્ટે. નું હજુ ઉદ્ઘાટન નહીં થતા લાખોના ખર્ચે તૈયાર થયેલા આ મકાનને તાળા જોવા મળે છે અને ધૂળ ખાય છે. મહિલાઓની સુરક્ષા માટે અને ખાસ કરીને એસટી ડેપોમાં બનતી ઘટનાઓ પર કાબૂ મેળવવામાં અગત્યનું આ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન વહેલી તકે કરાઈ તે જરૂરી છે.
સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પરંતુ રાજપીપળામાં મહિલા પોલીસ સ્ટેશન બન્યા બાદ પણ ત્રણ વર્ષથી ઉદ્ઘાટન વગર તાળા લાગ્યા છે. રાજપીપળા એસટી ડેપોમાં અગાઉ મહિલાનાં પર્સ અને રોકડ રૂપિયાની ચોરીની ઘટના બની ચૂકી છે માટે ત્યાં મહિલા પો.સ્ટે.અત્યંત જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.