નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ જે ગુજરાતની જીવાદોરી બનવા સાથે પાડોશી રાજ્યો માટે પણ પાણી પુરૂં પાડવામાં આશિર્વાદરૂપ સાબિત થયો છે. જિલ્લામાં જ બીજો એક નર્મદા ડેમ આવેલો છે. બંને ડેમનાં પાણી અન્ય જિલ્લાઓને મળે છે પરંતુ નર્મદા જિલ્લાના ગામો ને જ ડેમના પાણીનો લાભ મળતો ન હોવાથી દિવાતળે અંધારું જેવો ઘાટ સર્જાયો છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના માધ્યમથી વિશ્વ ફલક ઉપર ચમકેલા કેવડિયાની નજીક તિલકવાડા તાલુકાના ચંદપુરા ગામના લોકો આજે પણ પીવાના પાણી માટે લવખાં મારી રહ્યું છે.
ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ગામની મુલાકાત લઈ પાણીની સમસ્યા અંગે તાગ મેળવ્યો હતો. ગામના કુસમુબેન તડવીએ જણાવ્યું કે, સાહેબ અમારા ગામની નજીકથી નર્મદા કેનાલ પસાર થાય છે. જે 500 કિમી દૂર કચ્છ સુધી પાણી લઈ જાય છે. પરંતુ અમારું ગામ તો માત્ર કેનાલથી 5 કિમી જ દૂર આવેલું છે. છતાં અમારે ગામની નજીકમાંથી પસાર થતી ખાડીમાં વેરી બનાવી પીવાનું પાણી ભરવું પડે છે. ખાડી પણ ગામથી 3 કિમી દૂર આવેલી હોવાથી કપડાં ધોવા અને પશુઓનું પાણી પણ ત્યાં જ ઉપલબ્ધ થાય છે. સરકાર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી અમારી માગણી છે.
સમસ્યા હલ નહીં થાય તો આંદોલન કરીશું
20-25 વર્ષથી ચંદપુરા ગામમાં પાણીની તકલીફ છે, પીવાના પાણીની સુવિધા છે પણ તે પીવા લાયક નથી. એક સંપ મંજૂર થયો હતો પણ જમીનના વિવાદને લીધે એ કેન્સલ થયો છે. 2012-13માં આવાસ બન્યા હતા, તે પછી બન્યા નથી.ગામમાં શાળા કે આંગણવાડી નથી. પ્રશ્નોનું નિરાકરણ નહી આવે તો ભૂખ હડતાળ પર ઉતરીશુ. - ભરત વસાવા, સરપંચ, ઓળબિયા ગ્રુપ ગ્રામ પંચાયત.
અમારા ગામમાં પાણીની કોઈ સુવિધા જ નથી
ચંદપુરા ગામમાં 300 જેટલા લોકોની વસ્તી છે. પણ અહીં કોઈ પાયાની સુવિધા ઉપલબ્ધ નથી. ગામમાં વર્ષોથી આવાસ પણ મંજૂર નથી થયા. નથી તો બાળકોને ભણવા માટેની શાળા કે આંગણવાડી, ગામના બાળકોને 4-5 કિમી દુર ભણવા જવું પડે છે. શાળાએ જવા કોઈ સુવિધા પણ નથી. - દિવાળીબહેન, સ્થાનિક.
પાણી નહીં મળે તો કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું
ચંદપુરા ગામ લોકોને તત્કાલ પીવાંનું પાણી નહીં આપવામાં આવે તો મામલતદાર કચેરી પર ભૂખ હડતાળ કરી આંદોલન શરૂ કરીશું. જરૂર પડે તો કલેકટર કચેરીનો ઘેરાવ પણ કરીશું. આટલા વર્ષો સુધી ઊંઘતું તંત્ર તુરંત ચંદપૂરા ગામે પહોંચી સર્વેની કામગીરી હાથ ધરી હતી. વર્ષો સુધી તંત્રને કેમ આ સમસ્યા દેખાઈ નહીં. - ડો.પ્રફુલ વસાવા, આગેવાન.
ફરિયાદ મળતાં ગામમાં સરવે કરાવ્યો છે
ચંદપુર ગામના લોકોની ફરિયાદ મળतતા તાત્કાલિક એક ટીમ સર્વે માટે ગામમાં મોકલી છે. પાણીની સમસ્યા હલ કરવા માટે પાણીના ટેન્કરની વ્યવસ્થા કરાશે. આંગણવાડીનો જે પ્રશ્ન હતો તે ICDS અધિકારીને વાત કરી જરૂરી વસ્તુઓ ગામમાં જ પહોંચાડવાની વાત કરી છે. પ્રશ્ન હાલ કરી દીધો છે. - આર.જે.ચૌહાણ, મામલતદાર, તિલકવાડા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.