ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જરોઇ ગામની વૃધ્ધાનો ઉમરવા ગામની સીમમાંથી હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. વૃધ્ધાની હત્યાના આરોપમાં પોલીસે ખેતરના રખેવાળને ઝડપી પાડયો છે. વૃધ્ધા બકરી ચરાવવાનું કામ કરતી હતી અને બકરાઓ ખેતરમાં આવી જતાં હોવાથી બંને વચ્ચે ઝગડો થયો હતો જેમાં આરોપીએ ધારિયું મારી વૃધ્ધાની હત્યા કરી નાખી હોવાનો ખુલાસો થયો છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાની બોર્ડર ગણાતા ઉમરવા ગામના એક ખેતરમાંથી વૃધ્ધાનો હત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. તેની ઓળખ ઝઘડિયાના જરોઇ ગામમાં રહેતી 55 વર્ષીય સુમિત્રા વસાવા તરીકે થઇ હતી. બનાવ અંગે આમલેથા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. આ ગુનાની તપાસ એલસીબી પીઆઇ જે.બી.ખાંભલા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. પોલીસને બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે વૃધ્ધાની હત્યામાં બાજુના ખેતરમાં રખેવાળી કરતો શનુભાઇ ભયજીભાઇ વસાવા સંડોવાયેલો છે.
પોલીસે શનુ વસાવાની અટકાયત કરી પૂછપરછ કરતાં તેણે હત્યાના ગુનાની કબુલાત કરી હતી. આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે,બકરા ચારતી વૃદ્ધ મહિલા દર વખતે શેરડીના ખેતરમાં તેના બકરાઓ ઘુસાડી દેતી હતી જેના કારણે ઝગડો થયો હતો અને વૃધ્ધા તેને મારવા માટે દોડી હતી જેથી ઉશ્કેરાયને તેણે ધારિયું મારી તેની હત્યા કરી હતી અને હત્યા બાદ ભાગી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.