ગ્રામજનોનું ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન:નર્મદાનો મોટી દેવરૂપણ ગામને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ; સમસ્યાનો તાત્કાલિક નિકાલ કરવા ગ્રામજનોની માગ

નર્મદા (રાજપીપળા)20 દિવસ પહેલા

ચોમાસાએ વિદાય લિધીને સમય વીતી જવા આવ્યો તેમ છતાં, નર્મદા જિલ્લા સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામને જોડતા માર્ગ ઉપર હજી પણ ઉકાઈ જળાશયના પાણી ફરી વળ્યા હોવાથી લોકોએ ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રતિવર્ષ આ સમસ્યા ઉભી થતી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જો સમસ્યાનો ઉકેલ ન લવાશે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેમ ગ્રામજનો દ્વારા જણાવાઈ રહ્યું છે.

એકમાત્ર રસ્તો પાણી ફરી વળતા રસ્તો બંધ થઇ જાય છે
સાગબારા તાલુકાના મોટી દેવરૂપણ ગામને જોડતો રસ્તો પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન ઉકાઈ જળાશયના પાણીથી ગરકાવ થઈ જાય છે. જેના કારણે ગ્રામજનોને અવરજવર માટે ભારે હાલાકીઓનો સામનો કરવાનો વારો આવે છે, છતાં સ્થાનિક વહીવટી તંત્ર નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે. ગામમાં અવરજવર માટેનો આ એકમાત્ર રસ્તો હોવાથી પાણી ફરી વળતા રસ્તો બંધ થઇ જાય છે. હવે તો, ચોમાસાએ વિદાય લીધીને ખાસ્સો એવો સમય પસાર થયો છતાં ગામને જોડતા આ રસ્તા ઉપર હજી પણ ઉકાઈ જળાશયના પાણી ફરી વળ્યાં હોવાથી રસ્તો પાણીમાં ગરકાવ થયેલો છે. જેના કારણે આરોગ્ય માટેની 108 જેવી સુવિધા પણ ઉપલબ્ધ થતી નથી, તો બીજી બાજુ શાળા કોલેજ જવા માટે વિદ્યાર્થીઓ પણ પાણીમાંથી પસાર થવા મજબુર બનતા હોય છે.

લોકોએ 5થી 10 કિમી ચાલીને જવું પડે છે
એક તરફ દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી આઝાદી કા અમૃત મહોત્સવની ઊજવણી કરી રહ્યો છે. ત્યારે બીજી તરફ આજેપણ સાગબારા તાલુકાના કેટલાક એવા ગામો પણ છે, જયાં આજેપણ એસટી બસ સહિત રસ્તાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. લોકોએ 5થી 10 કિમી ચાલીને જવું પડે છે. જેમાંથી મોટી દેવરૂપણ ગામ પણ બાકાત નથી. ત્યારે મોટી દેવરૂપણ ગામની આ સમસ્યા પ્રતિવર્ષ સર્જાતી હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા કોઈજ પગલા લેવામાં આવતા નથી. ખેતી કામે જતા ખેડૂતો, દૂધ ભરવા જતી મહિલાઓ, ધંધાર્થે જતા લોકો સહિત આરોગ્યને લગતી સમસ્યાઓ માટે જવા-આવવા પણ મુશ્કેલીઓ વેઠવી પડે છે.

વારંવારની રજૂઆતોનું કોઈજ નક્કર પરિણામ મળતું નથી
સાગબારા તાલુકાના બની બેઠેલા નેતાઓ મોટી દેવરૂપણ ગામની સમસ્યા પ્રત્યે અજાણ છે કે પછી તેની જાણ હોવા છતાં તેઓ તેને નજર અંદાજ કરી રહ્યા છે. તો બીજી તરફ વહીવટી તંત્ર પણ આંખ આડા કાન કરી સમસ્યાઓનો ઉકેલ લાવવા કોઈજ પગલા લેવામાં માનતું નથી. ત્યારે અહીંની પ્રતિવર્ષ સર્જાતી સમસ્યાનો અંત ક્યારે આવશે તેવું ગ્રામજનો દ્વારા પુછાઈ રહ્યું છે. મોટી દેવરૂપણ ગામને જોડતો રસ્તો ઉકાઈ જળાશયના પાણીમાં ગરકાવ હોવાથી ગ્રામજનોએ ભારે હાલાકીઓનો સામનો કરવો પડે છે. વારંવારની રજૂઆતોનું કોઈજ નક્કર પરિણામ મળતું નથી.

અન્ય સમાચારો પણ છે...