ગુજરાત વિધાનસભાની 182 બેઠકમાંથી નર્મદાની 2 બેઠકોની મતગણતરી છોટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય ખાતે શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હવે પોસ્ટલ બેલેટની મતગણતરી પૂર્ણ થયા બાદ હવે EVMની મતગણતરી શરૂ કરવામાં આવી છે. નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર ડૉ. દર્શના દેશમુખે 28 હજાર 244 મતોથી જીત હાંસલ કરી છે. જ્યારે ડેડિયાપાડા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવા 21745 મતોથી આગળ ચાલી રહ્યાં છે. બંને બેઠકોમાં એક બેઠક પર ભાજપ અને બીજી બેઠક પર આપના ઉમેદવારની જીત નિચ્છિત દેખાઈ રહી છે.
બારમાં રાઉન્ડના અંતે નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ 21 હજાર 554 મતથી આગળ ચાલી રહ્યાં છે. ત્રીજા રાઉન્ડના અંતે ડેડિયાપાડામાં ચૈતર વસાવા 2594 મતોથી આગળ. નાંદોદમાં ત્રીજા રાઉન્ડના અંતે હજી પણ ભાજપ ઉમેદવાર દર્શના દેશમુખે લીડ જાળવી રાખી. નર્મદા જિલ્લામાં બીજા રાઉન્ડની મતગણતરી પૂર્ણ થઈ છે. જ્યાં નાંદોદમાં ભાજપના ડો દર્શનાબેન દેશમુખ 6347 મતોથી આગળ ચાલી રહ્યાં છે. ત્યારે ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા 2596 મતોથી આગળ રહી ભાજપ અને કોંગ્રેસને ટક્કર આપી રહ્યાં છે.
જિલ્લામાં સરેરાશ 78 ટકા મતદાન થયું હતું
નર્મદા જિલ્લામાં કુલ 4 લાખ 57 હજાર 880 મતદાર નોંધાયેલા છે. જેમાંથી 2022ના ચૂંટણી જંગમાં 3 લાખ 59 હજાર 66 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લાની બંને બેઠકો પર સરેરાશ 78.42 ટકા મતદાન નોંધાયું હતું. 2017માં આ ટકાવારી 80.67 ટકા હતી. જેની સરખામણીએ આ વખતે 2.25 ટકા મતદાનમાં ઘટાડો થયો છે. બેઠક વાઈઝ થયેલા 2017 અને 2022ના મતદાનના આંકડા નીચે મુજબ છે.
બેઠકનું નામ | 2017નું મતદાન | 2022નું મતદાન |
નાંદોદ | 76.43% | 74.36% |
ડેડિયાપાડા | 85.50% | 82.71% |
કઈ બેઠક પર કેટલા રાઉન્ડમાં મતગણતરી થશે?
નાંદોદ બેઠકની મતગણતરી 14 ટેબલ પર 22 રાઉન્ડમાં થશે. જ્યારે ડેડિયાપાડા બેઠકની મતગણતરી 14 ટેબલ પર 23 રાઉન્ડમાં હાથ ધરાશે. જિલ્લાની 2 બેઠકોની મતગણતરી કુલ 28 ટેબલ પર 45 રાઉન્ડમાં હાથ ધરાશે. નાંદોદમાં 155 જેટલાં તેમજ ડેડિયાપાડામાં 155 જેટલા અધિકારીઓ/કર્મચારીઓને મતગણતરીની કામગીરીમાં તૈનાત કરાશે. પોલીસ અધિક્ષક નર્મદા દ્વારા સિક્યુરિટી પ્લાન મુજબ જરૂરી પોલીસ, CAPF, CRPF, પોલીસ આધિકારીઓ 400 જેટલા ગોઠવવામાં આવેલા છે.
જિલ્લાની કઈ બેઠક પર કેટલા ઉમેદવારો વચ્ચે હતી ટક્કર?
નાંદોદ બેઠકની સ્થિતિ
નાંદોદમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. આ વખતે મતદાનામાં પુરૂષો કરતાં સ્ત્રીઓનો મતદાનનો આંકડો ઓછો રહ્યો હતો. જેમાં નાંદોદ બેઠક પર 90 હજાર 869 પુરૂષો અને 84 હજાર 7 સ્ત્રીઓએ મત આપ્યા હતા. ભાજપે પૂર્વ સાંસદ સ્વ. ચંદુભાઈ દેશમુખની પુત્રી ડો. દર્શના દેશમુખને ટિકિટ આપી હતી, જેના કારણે ભાજપમાંથી બે ટર્મ જીતેલા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હર્ષદ વસાવાએ બળવો કરી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપના 80 ટકા કાર્યકરો બળવાખોર હર્ષદ વસાવા સાથે છે. નર્મદા જિલ્લા ભાજપ-પ્રમુખ અને દૂધ સાગર ભરૂચ ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલનો ડો. દર્શના દેશમુખને સારેએવો સપોર્ટ મળ્યો હતો, જેથી શેરડી પકવતા ખેડૂતોએ ભાજપ તરફથી મતદાન કર્યું હોઈ શકે છે. આ ઉપરાંત રાજપીપળા શહેરમાં ભાજપને લીડ મળી શકે છે. જ્યારે પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ ઘનશ્યામ દેસાઈએ ભાજપના બળવાખોર હર્ષદ વસાવાને સાથ આપ્યો હતો. જ્યારે કોંગ્રેસના હરેશ વસાવાને અંતરિયાળ વિસ્તારના મત મળ્યા હોઈ શકે છે. આ ઉપરાંત આપમાંથી લડતા પ્રફુલ વસાવાને નર્મદા યોજનાનાં 6 અસરગ્રસ્ત ગામમાંથી સમર્થન મળ્યું હતું. હવે આ બેઠક પર કયો ઉમેદવાર બાજી મારશે તે હવે આજની મતગણતરી જ નક્કી કરશે.
ડેડિયાપાડા બેઠકની સ્થિતિ
આ વખતે મતદાનામાં પુરૂષો કરતાં સ્ત્રીઓનો મતદાનનો આંકડો ઓછો રહ્યો હતો. જેમાં ડેડિયાપાડા બેઠક પર 93 હજાર 122 પુરૂષો અને 91 હજાર 68 સ્ત્રીઓએ મત આપ્યા હતા. બીટીપીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી મેદાનમાં છે. ડેડિયાપાડા મતવિસ્તારમાં કાર્યકરના ઘરે નાનામાં નાનો પ્રસંગ હોય તો ચૈતર વસાવાની હાજરી અચૂક હોય છે. બીજી તરફ ભાજપ તરફથી જિલ્લા પંચાયત સભ્ય હિતેષ વસાવા ચૂંટણી લડી રહ્યા છે. હર્ષદ વસાવા ચાર વર્ષ પહેલાં બીટીપી છોડીને ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત કોંગ્રેસમાંથી લડતાં જેરમાબેન અને બીટીપી તરફથી બહાદુરસિંહ વસાવા લડી રહ્યા છે. ત્યારે આ બેઠક પર લોકોએ કોને વધારે મત આપીને પસંદ કર્યા છે. તેનો આજની મતગણતરીમાં ખુલાસો થશે.
જિલ્લાની 2017ની સ્થિતિ
નર્મદા જિલ્લામાં 2017 વિધાનસભા ચૂંટણીમાં બંને બેઠકો પર પરિણામ ખૂબ રસસ્પદ રહ્યું હતુ. જ્યાં નાંદોદ બેઠક પર કોંગ્રેસના પ્રેમસિંહ વસાવા અને ડેડિયાપાડા બેઠક પર બીટીપીના ઉમેદવાર મહેશ વસાવાએ બાજી મારી હતી અને બંને બેઠક પર ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં કોંગ્રેસના ઉમેદવારે 6 હજાર 329 મતથી જ્યારે બીટીપીના ઉમેદવારે 21 હાજર 751 મતથી
વિજય હાંસલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.