દેશના જંગલો અને વન સંપદાઓની જાળવણી માટે કાર્યરત વન વિભાગને તાલીમબધ્ધ અધિકારીઓ તૈયાર કરતી ગુજરાતની એક માત્ર રાજપીપળા સ્થિત ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજનો 18મો પદવીદાન સમારોહ યોજાયો હતો.
દેશમાં વન અધિકારીઓની તાલીમ અને અભ્યાસ માટે 8 કોલેજો છે અને ગુજરાતની એક માત્ર કોલેજ રાજપીપળામાં આવેલી છે. આ કોલેજમાં દેશના ત્રણ રાજ્યોના 16 મહિલા સહિત કુલ-44 ફોરેસ્ટ ઓફિસર્સ વર્ષ 2021-2023ની બેચના 18 મહિનાની તાલીમ પૂર્ણ થતા તેઓને તેમના પરિવારજનોની ઉપસ્થિતિમાં મહાનુભાવોના હસ્તે પદવી આપવામાં આવી હતી.રાજપીપળાની આ રેન્જર્સ કોલેજમાં 8 જુલાઇ 2021થી શરૂ થયેલી બેચમાં મહારાષ્ટ્રના 39, હિમાચલ પ્રદેશના 04 અને તમિલનાડુના 01 મળી કુલ-44 રેન્જર્સ તાલીમાર્થીઓને જુદા-જુદા 19 જેટલાં વિષયોની તાલીમ આપવામાં આવી હતી.
ગુજરાતના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સના એસ.કે. ચદુર્વેદી સહિતના મહેમાનોની હાજરીમાં તેમની પાસિંગ પરેડ પણ યોજાઇ હતી. ગુજરાત ફોરેસ્ટ રેન્જર્સ કોલેજ રાજપીપળાના આચાર્ય ડૉ. એસ.કે. બેરવાલે પણ 18 મહિનાની આ તાલીમ દરમિયાનની યાદગાર ક્ષણો અને અનુભવો વાગોળી સ્વાગત પ્રવચન કર્યું હતું. જ્યારે તાલીમી રેન્જર્સે પોતાના અનુભવોને ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ વાગોળ્યા હતાં.
ફોરેસ્ટ રેન્જર્સ તાલીમી ઓફિસર્સના 18માં પદવીદાન સમારોહમાં વડોદરાના સીએફ ડૉ. અંશુમાન, નર્મદા જિલ્લા નાયબ વન સંરક્ષક નિરજકુમાર, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ) મિતેશ પટેલ, રેન્જર્સ કોલેજના વાઇસ પ્રિનસિપાલ જે. જી. ચૌધરી, સંબંધિત વિભાગનાં અધિકારીઓ તેમજ પદવીદાન મેળવનાર ઓફિસર્સના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યાં હતા. રાજયની પહેલી ફોરેસ્ટ કોલેજના વિદ્યાર્થીઓ હવે વન વિભાગમાં અધિકારી તરીકેની નોકરી મેળવશે.
તાલીમ દરમિયાન લીધેલી તસવીરોનું પ્રદર્શન યોજાયું
રાજપીપળાની કોલેજમાં અભ્યાસ દરમિયાન 44 વન અધિકારીઓએ તાલીમ દરમિયાન યોજાયેલા પ્રવાસ દરમિયાન તાલીમાર્થીઓએ તેમના કેમેરામાં કંડારેલી તસ્વીરોનું પ્રદર્શન યોજાયું હતુ. જેને ખૂલ્લુ મુક્યા બાદ ઉપસ્થિત મહાનુભાવોએ નિરીક્ષણ કરી ત્રણ શ્રેષ્ઠ તસ્વીરોને મેડલ જાહેર કરી તેમને પણ સન્માનીત કરવામાં આવ્યા હતાં. રાજપીપળાની કોલેજમાં અભ્યાસ દરમિયાન 44 વિદ્યાર્થીઓને વિવિધ વિષયોના જ્ઞાન આપવામાં આવ્યાં હતાં જેમાં ફોટોગ્રાફીનનો પણ સમાવેશ થતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.