સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે ભારત સરકારની સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફેરની 14 મી બેઠક અંતર્ગત ત્રિ-દિવસીય સ્વાસ્થ્ય ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કરાવ્યો હતો.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાના અધ્યક્ષસ્થાને 5 થી 7 મે દરમિયાન યોજાઈ રહેલી આ શિબિરમાં દેશના 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ, સચિવો, તબીબી નિષ્ણાતો સહભાગી બન્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોના સંયુક્ત પ્રયાસથી સ્વસ્થ ભારતના નિર્માણ તરફની પહેલ આજે ચિંતન શિબિરમાં હાથ ધરવામાં આવી છે. દેશના આરોગ્યસેવાઓની માળખાગત સુવિધાઓને વધુ સુદઢ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં 64000 કરોડ રૂપિયાનું વિશેષ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાની વિષમ પરિસ્થિતિઓમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોના પરિણામે આજે દેશમાં કોરોનાની પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ આવી છે. 135 કરોડની વસ્તી ધરાવતા ભારત દેશમાં 97.5 ટકા નાગરિકોને કોરોના રસીકરણનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
આવનારા દિવસોમાં દેશમાં કોરોના ન ફેલાય તે માટે પીએમ મોદીએ રાજ્યોનાં સીએમ સાથે મિટિંગ કરી હતી.અમે જીનોમ સિકવનસિસ પર ભાર આપી રહ્યા છે તેનાથી દેશનાં કયા ખૂણામાં કયો વેરિયન્ટ એક્ટિવ છે તેનો ખ્યાલ આવે છે અને તેને કંટ્રોલ કરીએ છીએ.બાળકોના વેક્સીનેશનને મંજૂરી મળી ચૂકી છે. નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓફ ઇમ્યુનાઇઝેશન-એન્ટાગી નામનું એક્સપર્ટ ગ્રુપ આના પર જે સુઝાવ આપશે તેનાં થકી અને વૈજ્ઞાનિકોનાં સુચનનાં આધારે આગળ વધીશું.
શિબિરમાં મુખ્યમંત્રી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીના હસ્તે નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સર્વિસ NQAS પોર્ટલ, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસીસ પોર્ટલનું લોન્ચિંગ તેમજ નેશનલ ફેમિલી હેલ્થ સર્વે રિપોર્ટ અને રૂરલ હેલ્થ સ્ટેટીસ્ટીક્સ રિપોર્ટ અને ગુજરાત હેલ્થ એટલાસ રિલીઝ કરવામાં આવ્યા હતા.
આરોગ્ય સુવિધા સેવા માટે 12 હજાર કરોડ ફાળવ્યા છે
ગુજરાતમાં અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણથી વર્ષ 2020-21 માં સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલ, નીતિ આયોગ ઈન્ડેક્ષ- આરોગ્ય અને સુખાકારીમાં ગુજરાત રાજ્ય 86 સ્કોર સાથે સમગ્ર દેશમાં મોટાં રાજ્યોમાં પ્રથમ ક્રમે છે.નવજાત શિશુથી માંડીને વરિષ્ઠ નાગરિક સુધીના તમામ લોકો સ્વસ્થ-તંદુરસ્ત રહે તેવી સઘન આરોગ્ય સુવિધા સેવાઓ માટે આ વર્ષના બજેટમાં રૂ.12,240 કરોડ ફાળવ્યા છે.ગુજરાત સરકારે આરોગ્ય સંસ્થાઓમાં ટેલિ-રેડિયોલોજી, ટેલિ-આઇ.સી.યુ., ટેલિ-મેડિસીન અને ટેલિ-મેન્ટલ હેલ્થની સેવાઓ માટે બજેટમાં રૂ.2 કરોડની જોગવાઈ કરી છે. > ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્યમંત્રી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.