ડેડીયાપાડા આઈ.સી.ડી.એસ. ઘટક દ્વારા 'પૂર્ણાની ઉડાન' થીમ અંતર્ગત કાઇટ ફેસ્ટિવલની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. કિશોરીઓ દ્વારા આપવામાં આવેલ સંદેશો નર્મદા જિલ્લાના પોષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ મજબૂત પાયાનું નિર્માણ કરશે.
નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુના માર્ગદર્શન અને આઈ.સી.ડી.એસ.ના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્નાબેન પટેલના નેતૃત્વમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી હેમાંગીનીબેન ચૌધરી દ્વારા ડેડીયાપાડા આઈ.સી.ડી.એસ. ઘટક-2 ખાતે કરાયેલી 'પૂર્ણાની ઉડાન' થીમ અંતર્ગત જિલ્લાકક્ષાની કાઇટ ફેસ્ટિવલની ઉત્સાહભેર ઉજવણી ખરેખર યાદગાર બની રહેશે.
ડેડીયાપાડા આઈ.સી.ડી.એસ. ઘટક 1 ખાતે આજે કિશોરીઓએ કાઈટ ફેસ્ટિવલ અંતર્ગત વોટર કલર અને ડિઝાઇન સાથે જિલ્લાના પ્રત્યેક લોકોનું પોષણ અને આરોગ્ય જળવાય તેવા ઉમદા આશય સાથે સૂત્રો લખીને પતંગો તૈયાર કરી હતી. કિશોરીઓ આ પતંગો ચગાવીને આનંદિત થયા હતા. સાથોસાથ આ તમામ રંગબેરંગી પતંગોએ ઊંચા આકાશને સર કરીને જિલ્લાના પ્રત્યેક નાગરિકને સ્વચ્છ અને સ્વસ્થ જીવન જીવવા સંદેશો પાઠવ્યો હતો.
વધુમાં તમામ રંગબેરંગી પતંગો પર “ખીલશે કિશોરી શકિત, લાવો પૂર્ણા શક્તિ”, “થનગને પતંગ આભમાં ને પૂર્ણા ગુજરાતમાં”, “પાંડુરોગ મુક્ત ગુજરાત, સ્વસ્થ પૂર્ણાને હાથ”, “સ્વસ્થ રહેવાનું એક સૂત્ર "પોષણ અને સ્વચ્છતાની" પકડવી ડોર”, “બર્ગરને કહો બાય - બાય, ભાજી ને કહો હાય”, “પોતાના વિષયે જાગૃત થાઓ, સમતોલ આહારનું સેવન”, “પૂર્ણાને આપશે તંદુરસ્ત જીવન”, “ઘરમાં બધા સાથે જમો, છેલ્લે જમવાનું ટાળો” જેવા સ્લોગનોથી જિલ્લાવાસીઓને સંદેશો આપ્યો હતો.
નર્મદા જિલ્લામાં કુપોષિત બાળકો, ગર્ભવતી મહિલાઓ, ધાત્રી માતાઓ અને શ્રમિક લોકોને કુપોષણથી બચાવવા માટે આઇ.સી.ડી.એસ વિભાગ સાથે જોડવાનો સરાહનીય પ્રયાસ કરાયો છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આપણો નર્મદા જિલ્લો આજે શિક્ષણ, સ્વાસ્થ્ય, ખેતી-પશુપાલન, પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર છે. હવે જિલ્લાના પ્રત્યેક નાગરિકને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પોષણલક્ષી સમજ કેળવવાના ઉમદા આશય સાથે કિશોરીઓ દ્વારા આપવામાં આવેલા સંદેશાએ નર્મદા જિલ્લાના પોષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ મજબૂત પાયાનું નિર્માણ કરી રહ્યું છે. વધુમાં જિલ્લા વહિવટીતંત્ર પણ જિલ્લામાં પોષણની સેવાઓનો વ્યાપ વધારવા અને પોષણ સેવાઓની ગુણવત્તા સુધારવા માટે સરાહનીય કામગીરી કરી રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.