ભાસ્કર વિશેષ:નર્મદા જિલ્લામાં અતિવૃષ્ટિથી નુકસાનીનો સર્વે શરૂ

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલુકાઓ તથા નગરપાલિકા વિસ્તાર મળી 34 ટીમો કામગીરીમાં જોતરાઇ

નર્મદા જિલ્લામાં ત્રણ દિવસમાં વરસેલા ભારે વરસાદી ઠેર ઠેર તબાહી મચાવી દીધી છે. હવે વરસાદનું જોર નરમ પડયાં બાદ હવે નુકશાનીના સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રાજપીપળા શહેર તથા સમગ્ર જિલ્લામાં સર્વે માટે 34 ટીમો બનાવવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં વરસાદનું જોર નરમ પડયાં બાદ હવે નુકશાનીનો સર્વે કરવામાં આવી રહયો છે. દેડીયાપાડા માટે 10 , સાગબારા માટે 07, નાંદોદ માટે 03 , ગરૂડેશ્વર માટે 08 ,તિલકવાડા માટે 06 અને રાજપીપલા નગરપાલિકા વિસ્તાર માટે 04 ટીમ મળી કુલ 34 ટીમ બનાવવામાં આવી છે. જિલ્લામાં અતિભારે વરસાદને લીધે અસરગ્રસ્ત વિસ્તારના પરિવારોના કુટુંબની સંખ્યા, ઘરવખરીને નુકસાન,ખેતીને નુકશાન સહિતની બાબતોને આવરીને સર્વેની કામગીરી કરાઇ રહી છે.

આ સર્વે બાદ તુરંત જ સંબંધિત અસરગ્રસ્તોને સરકારના ધારાધોરણ મુજબ મુજબ સરકારી સહાય આપવામાં આવશે. રાજપીપલા નગરપાલિકામાં અતિભારે વરસાદના લીધે મકાનોને નુકશાન થયું છે. સર્વે દરમિયાન બહાર આવ્યું હતું કે, અમુક મકાનોની દિવાલ તુટી છે, જયારે કેટલાક મકાનોના પાયાને નુકશાન થયું છે. કેટલાય ઘરોમાંથી ઘરવખરી વરસાદી પાણી સાથે તણાઇ ગઇ છે.

રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં અસરગ્રસ્ત ખાડા ફળિયા, નરસિંહ ટેકરી, કાલિકા માતા મંદિરપાસેનો વિસ્તારમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. પાલિકાના મુખ્ય અધિકારી કામગીરીનું સુપરવિઝન કરી રહયાં છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં નજીકના નિયત આશ્રય સ્થાનોમાં અંદાજે 8975 લોકોના કરાયેલાં હંગામી અને સલામત સ્થળાંતર બાદ અસરગ્રસ્ત પરિવારો તેમના મૂળ રહેઠાણના નિવાસ સ્થાનોએ પરત ફરતા નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ સર્વેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છેે.

અન્ય સમાચારો પણ છે...