આદોલનની ચીમકી ઉચ્ચારી:કારાઠા ગામના તલાટી કમ મંત્રી અસભ્ય વર્તન કરતા હોવાનાં આક્ષેપ સાથે ઉપસરપંચની TDOને રજૂઆત

નર્મદા (રાજપીપળા)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નર્મદા જિલ્લાના કરાઠા ગામના તલાટી સામે ગામના જ ઉપસરપંચ અને અન્ય સભ્યોએ અસભ્ય વર્તન કરવાના આક્ષેપ સાથે તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી છે.

કરાઠા ગ્રામ પંચાયતના ઉપસરપંચ સ્નેહાબેન પટેલ અને કેટલાક સભ્યોએ ટીડીઓને લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે, કરાઠા ગ્રામ પંચાયત ખાતે પંચાયત તલાટી તરીકે જયશ્રીબેન પટેલ ફરજ બજાવે છે. તેઓ મન ફાવે તે રીતે પંચાયતમાં વહીવટ કરે છે અને અમો ઉપ સરપંચ તથા સભ્યો સાથે પણ ગેરવર્તન કરે છે. જેમાં (1) ગામ પંચાયત હસ્તક આવેલ તળાવની માપણી કરવા માટે સર્વેયર આવેલ તે અંગેની જાણ અમો ઉપ સરપંચ તથા અન્ય 4-સભ્યોને કરેલ ન હતી. (2) માપણી માટે સર્વેયર આવેલ તે દીવસે સરપંચ હાજર ન હતા એટલે ઉપ સરપંચને હાજર રાખવા જોઇતા હતા. તેમ છતા સ૨પંચ ગૃપના સભ્યને જ હાજર રાખેલ હતા. (3) 15 મી ઓગષ્ટ -2022ની ઉજવણી અંગે પંચાયત સભ્યોને વિશ્વાસમાં લીધા સીવાય આયોજન કર્યું હતું. (4) અમો પંચાયતના વહીવટ બાબતે વાત કરીએ ત્યારે અમને એવો જવાબ આપવામા આવે છે કે હું ફકત સ૨પંચને કહેવા બંધાયેલ છું તમને મારે જવાબ આપવાની જરૂર નથી. તેવો ઉધ્ધતાઇ ભર્યો જવાબ આપે છે. (5) તેઓ મન ફાવે ત્યારે ઓફીસમા આવે છે અને મન ફાવે ત્યારે જતા રહે છે. (9) સરપંચ સાથે મળીને ખુબ મોટા પાયે ભષ્ટાચાર કરે છે.(7) ગામના વિકાસ કામોમા પણ પંચાયત બોડીને વિશ્વાસમા લીધા સીવાય એક તરફી નિર્ણયો કરે છે.

આમ આ રજુઆતમાં 1થી 7 મુદ્દા બાબતેની જરૂરી તપાસ કરી તલાટી સામે જરૂરી કાર્યવાહી કરાવા વિનંતી કરવામાં આવી છે. તેઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આદોલન કરવાની ફરજ પડશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

જોકે આ બાબતે અમે તલાટી બેન સાથે ટેલીફોનીક વાત કરી તો તેઓએ કહ્યું કે, હું આ બાબતમાં કઈ જાણતી નથી. જ્યારે ટીડીઓ કમલેશ પટેલ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હા મારી પાસે ઉપસરપંચની રજૂઆત આવી છે અને મે તરત વિસ્તરણ અધિકારી આ માટે તપાસ કરવા આદેશ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...