બાંહેધરી અપાતા આંદોલન સમેટાયું:ડેડીયાપાડામાં કોલેજ જવાના રસ્તા પરથી ગંદકીની સમસ્યા દૂર ન થતા વિદ્યાર્થીઓએ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો

નર્મદા (રાજપીપળા)19 દિવસ પહેલા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાની સરકારી વિનિયન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ જવાના રસ્તા પર નાખવામાં આવતી ગંદકીની સમસ્યા દૂર ન થતા આખરે કોલેજના વિદ્યાર્થીઓએ મામલતદાર કચેરીનો ઘેરાવ કર્યો હતો.

તંત્ર દ્વારા લેખિત બાહેધારી ન અપાતા વિદ્યાર્થીઓના ધરણા
ડેડીયાપાડા સરકારી વિનિયન કોલેજ રોડ પર દેડિયાપાડાના કેટલાક ઈસમો દ્રારા રોડની બાજુમાં મરેલા ઢોર, હાડકાઓ અને અન્ય ધન કચરાનો નિકાલ કરવામાં આવે છે. આ અંગે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને પાંચ દિવસ પહેલા રજૂઆત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા કોલેજ જવાના રસ્તા પર સફાઈ પણ કરી દેવામાં આવી હતી, પરંતુ ફરીથી કેટલાક અસામાજિક ઇસમો દ્વારા ફરીથી કચરો તેમજ મરેલા પશુઓ નાખી દેવાતા કોલેજના વિદ્યાર્થીઓ અકળાયા હતા. વાંરવાર તંત્રને રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ હતી તેવી જ રહેતા વિદ્યાર્થીઓ દ્વારા કોલેજથી મામલતદાર ઓફિસ સુધી રેલી યોજી સૂત્રોચ્ચાર કરી મામલતદારને રજુઆત કરી હતી. વિદ્યાર્થીઓએ તંત્ર પાસે ગંદકી દૂર કરવા બાબતે લેખિત બાંહેધરી માંગી હતી.

બાંહેધરી અપાતા આંદોલન સમેટાયું
​​​​​​​
લેખિત બહેધારી ન આપતા વિદ્યાર્થીઓ મામલતદાર ઓફિસમાં જ ધરણા પર બેસી ગયા હતા. સવારના ધરણા પર બેસેલા વિદ્યાર્થીઓની માંગ નહીં સ્વીકારતા વિદ્યાર્થીઓ મુખ્ય બજાર રોડ પર આવી રોડ બ્લોક કર્યો હતો. ઘટનાને પગલે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડેડીયાપાડા ગ્રામ પંચાયત તલાટી, સરપંચના પતિ દેવજીભાઈ વસાવા મામલતદાર કચેરી દોડી આવ્યા હતા. અંતે ચાર વાગ્યે ડેડીયાપાડા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ કરવાની તેમજ ત્યાં કચરો નાખવા અટકાવવા માટેની બાંહેધરી અપાતા આંદોલન સમેટાયું હતું.

કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ
પ્રાપ્ત માહિતી અનુસાર ગ્રામ પંચાયત દ્વારા કચરો નાખવા માટે અલગ જગ્યા ફાળવેલી હોવા છતાં પણ કેટલાક ઈસમો દ્વારા કોલેજ જતા રસ્તા પર કચરો નાખવામાં આવે છે. ત્યારે આવા લોકો સામે જે તે તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ ફાળવાયેલી જગ્યા પર કચરો ફેંકવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...