ઉમેદવારની જાહેરાત:નાંદોદમાં આપના ઉમદેવાર પ્રફુલ વસાવાનો ભારે વિરોધ

રાજપીપલા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AAPને ઉમેદવારની જાહેરાતની ઉતાવળ ભારે પડી

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચુંટણી માટે બુધવારે ઉમેદવારોનું ત્રીજું લીસ્ટ જાહેર કર્યું હતું.જેમાં 148 નાંદોદ વિધાનસભા બેઠક માટે કેવડીયા બચાઓ આંદોલન સમિતિના ડો.પ્રફુલ્લ વસાવાનું નામ કર્યું હતું.ઉમેદવારની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ પ્રફુલ્લ વસાવાનો નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના સંગઠનના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉગ્ર રીતે વિરોધ કર્યો છે.

રાજપીપલા સ્થિત આમ આદમી પાર્ટીના મુખ્ય કાર્યાલય ખાતે હોદ્દેદારો અને કાર્યકરો એકત્ર થયા હતા અને પોતાની નારાજગી દર્શાવી હતી.તમામ કાર્યકરોએ ગોપાલ ઇટાલિયા, અર્જુન રાઠવા અને ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવા હાય હાય ના નારા લગાવ્યા હતા.જો કે વિરોધ કાર્યક્રમમાં નર્મદા જિલ્લા આપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગોહિલની સૂચક ગેરહાજરી પણ ઘણું બધું કહી જાય છે.

નાંદોદ વિધાનસભા સંગઠન મંત્રી રાજેશ વસાવાએ જણાવ્યું હતું કે ડો. પ્રફુલ્લ વસાવા આયાતી ઉમેદવાર છે, અમે સ્થાનિક ઉમેદવારની માંગ કરી હતી.જો ઉમેદવાર બદલવામાં નહિ આવે તો અમે સંગઠનનું કોઈ કામ કરીએ નહિ, કાર્યાલય પર તાળા મારી દઈશું અને રાજીનામા ધરી દઈશું. સ્થાનિક સંગઠનને વિશ્વાસમાં લીધા વગર પ્રદેશે ઉમેદવારની જાહેરાત કરી છે.

તો બીજી બાજુ આમ આદમી પાર્ટી મહિલા મોરચા પ્રમુખ અરુણા તડવીએ પણ વિરોધ નોંધાવી સ્થાનિક ઉમેદવારની માગ કરી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના અમુક હોદ્દેદારોએ ગોપાલ ઇટાલિયાને રૂબરૂ મળી ઉમેદવાર બદલવાની પણ માગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...