ઝઘડીયા સહિતના આદિવાસી વિસ્તારમાં એક સમયે જેમની હાક વાગતી હતી. તેવા છોટુ વસાવા અને તેમના પરિવારમાં જ હવે ભંગાણ પડી ગયું છે. પુત્ર મહેશ વસાવાએ પિતાને ઝઘડીયા બેઠક પરથી ટિકિટ નહીં આપતા નારાજ થયેલાં અન્ય પુત્ર દિલીપે તમામ હોદ્દાઓ પરથી રાજીનામુ આપી દીધું છે. ચાલુ વર્ષે થઇ રહેલી વિધાનસભાની ચૂંટણી ભરૂચ જિલ્લાના રાજકારણમાં અનેક ચઢાવ ઉતાર લઇને આવી રહી છે.
નાના ભાઈ દિલીપ રોષે ભરાયા
ઝઘડીયા બેઠક પરથી સાત ટર્મથી ચુંટાઇ આવતાં છોટુ વસાવાની ટિકિટ તેમના જ પુત્ર મહેશ વસાવાએ કાપી નાખી છે. ગત ચુંટણીમાં છોટુ વસાવા ઝઘડીયા અને મહેશ વસાવા ડેડીયાપાડા બેઠક પરથી વિજેતા બન્યાં હતાં. ચાલુ વર્ષે મહેશ વસાવાએ ઝઘડીયા બેઠક પરથી પોતાને બીટીપીના ઉમેદવાર જાહેર કરી તેમના ટેકેદાર મારફતે ચુંટણી અધિકારીને ઉમેદવારીપત્ર મોકલી આપ્યું છે. મહેશ વસાવાની ખાલી પડેલી ડેડીયાપાડા બેઠક પર બીટીપીએ બહાદુર વસાવાને ઉમેદવાર બનાવ્યાં છે.
વસાવા પરિવાર માટે સેફ સીટ હવે અનસેફ સીટ થઈ ગઈ
રાજકીય સમીકરણો બદલાયા બાદ છોટુ વસાવા અને તેમના બે પુત્રો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી ગઇ છે. મહેશ વસાવાએ છોટુભાઇની ટિકિટ કાપી નાંખતા રોષે ભરાયેલાં દિલીપ વસાવાએ BTP અને BTTS ના તમામ હોદ્દાઓ પરથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. સોશિયલ મિડીયામાં તેણે જણાવ્યુ છે કે, મહેશ વસાવાના કૃત્યથી એસટી, ઓબીસી, માઇનોરીટી તથા એસટી સમાજના અધિકારો માટે ચાલતી લડાઇને નુકશાન થયું છે. હાલ દિલીપ વસાવા BTP અને BTTS માં ગુજરાતના મહા સચિવ પદે છે. જેના પરથી તેમણે રાજીનામું આપતા હવે પરિવાર જ નારાજ હોય ઝઘડિયા બેઠક સેફ હોવા છતાં હવે અનસેફ સીટ થઈ ગઈ છે. અને ચૂંટણી લડવાની ઈચ્છા રાખતા છોટુભાઈ જાતે બે ભાઈઓની તકરારમાં બેબસ બની ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.