નર્મદા જિલ્લામાં છેલ્લા કેટલાય વર્ષોથી સક્રિય ક્રિકેટ એસોસિયેશન નર્મદા દ્વારા નર્મદા જિલ્લામાં સીઝન ક્રિકેટ ટૂર્નામનેટનું આયોજન કરવામાં આવશે. આ જાન્યુઆરી મહિનામાં રાખવાનું આયોજન એસોસિયેશનના પ્રમુખ ભરત વસાવા, મંત્રી હરેશ ભટ્ટની આગેવાનીમાં રાજપીપળા કરજણ ગેસ્ટહાઉસ ખાતે મળી હતી. જેમાં તમામ સભ્યો હાજર રહ્યા હતા. ક્રિકેટ એસોસિયેશની મળેલી બેઠકમાં આગામી સમયમાં સીઝન ટુર્નામેન્ટનું મોટા પાયે આયોજન કરવાનું નક્કી કરાયું છે. જેમાં નર્મદા જિલ્લાના વિવિધ ગામોની 15 થી વધુ ટિમો ભાગ લેશે એવું આયોજન છે. નર્મદા જિલ્લામાં પ્રથમવાર નર્મદા પ્રીમિયર લીગ NPL નું ભવ્ય આયોજન થવાનું હોય જિલ્લાના ક્રિકેટ રસિકો અને ખેલાડીઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ બાબતે ક્રિકેટ એસોસિયેશન પ્રમુખ ભરત એમ વસાવાએ જણાવ્યું હતું કે, વર્ષોથી જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અમે ક્રિકેટ રમતા હતા. જિલ્લામાં ક્રિકેટના સારા ખેલાડીઓ છે. પરંતુ તેમને સારું પ્લેટફોર્મ ના મળવાને કારણે તેમનું ટેલેન્ટ તેમના પૂરતું જ રહે છે. એટલે આજદિન સુધી નર્મદા જિલ્લાનો એક પણ ખેલાડી ભારતીય ક્રિકેટ બોર્ડમાં નથી. આજે અમે એક બેઠક કરી મોટાપાયે એક સીઝન ટુર્નામેન્ટનું આયોજન કરી રહ્યા છે. આ સાથે રાજ્ય કક્ષાની આંતર રાજ્ય કક્ષાની મેચો, કોચિંગ ક્લાસ પણ રાખવામાં આવશે. નર્મદા જિલ્લાને પોતાનું એક ક્રિકેટ ગ્રાઉન્ડ મળે એ માટે પણ અમે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ રજૂઆતો કરી છે.
ક્રિકેટ એસોસિયેશન નર્મદાનો બસ માત્ર એક જ હેતુ છે કે જિલ્લામાં ક્રિકેટના સારા ખેલાડીઓને આગળ લાવીએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં નર્મદા જિલ્લાનો પણ ખેલાડી રમે અને જિલ્લાનું ગૌરવ વધારે, એટલું જ નહિં નર્મદા જિલ્લાનું પોતાનું એક સ્ટેડિયમ હોય અને એ સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ મેચો રમાય જિલ્લાના નાગરિકોનો સાથ મળશે તેમ તેમ અમે આ દિશામાં આગળ વધીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.