કાર્યવાહી:SOUની બસોમાં જ બાયો-ડીઝલના વપરાશનું કૌભાંડ, ટેન્કર જપ્ત કરાયું

રાજપીપલા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગરૂડેશ્વર પોલીસે ટેન્કર ઝડપતાં ખુલાસો : દિવ્યા ટ્રાવેલ્સના સંચાલકની અટક

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓની અવરજવર માટે ઉપયોગમાં લેવાતી દીવ્યા ટ્રાવેલ્સની લકઝરી બસોમાં બાયો ડીઝલનો વપરાશ થતો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ કેવડીયાને ઇ-સીટી બનાવવા જઇ રહયાં છે તો બીજી તરફ અહીં ચાલતી બસોમાં જ બાયોડીઝલ વપરાતું હોવાની વિગતો બહાર આવી છે.

ગરુડેશ્વર પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વરથી રાજપીપળા તરફ આવી રહેલાં એક ટેન્કરમાં શંકાસ્પદ કેમિકલનો જથ્થો ભરેલો છે. પીઆઇ પી.એમ. પરમાર તથા તેમની ટીમે વોચ ગોઠવી ટેન્કરને રોકી તલાશી લીધી હતી. તેમાંથી 3,500 લીટર જેટલો બાયો ડીઝલનો જથ્થો મળી આવ્યો હતો.

ટેન્કરના ચાલકે પોલીસને જણાવ્યું હતું કે અમારા શેઠ મિતેશ મહાદેવ લાખેણીના કેહવાથી અંકલેશ્વર હાઇવે પર આવેલાં પંપ પરથી આ બાયો ડીઝલ ભર્યું છે, અને આ બાયો ડીઝલ કેવડીયાના ભારત ભવન ખાતેથી ચાલતી બસમાં ભરવા આપવા એમણે જણાવ્યું હતું.

કેવડીયા ભારત ભવન ખાતેથી પ્રવાસીઓ માટે દિવ્યા ટ્રાવેલ્સની નાની મોટી 32 જેટલી બસો ચાલે છે, પોલીસે પકડેલુ આ બાયો ડીઝલ દિવ્યા ટ્રાવેલ્સની બસોમાં જ ઉપયોગમાં લેવાની વાત ટેન્કરના ડ્રાયવરે કબુલી છે.

હાલ તો ગરુડેશ્વર પોલીસે 3 લાખ રૂપિયાનું ટેન્કર, 25 હજાર રૂપિયાનું ડિઝીટલ મીટર વાળું ફ્યુઅલ પંપ, 2.69 લાખ રૂપિયાનું બાયો ડીઝલ મળી કુલ 5.99 લાખ રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કરી ટેન્કરના ચાલક જનાર્દન જાદવ અને દિવ્યા ટ્રાવેલ્સના મિતેષ મહાદેવભાઈ લાખેણીની અટકાયત કરી વધુ પૂછતાછ હાથ ધરી છે.પૂછતાછ બાદ જ કોની મિલીભગતથી આ કૌભાંડ ચાલી રહ્યું હતું એની વિગતો બહાર આવશે.

અન્ય સમાચારો પણ છે...