ઉપરવાસનો વરસાદ ફળદાઈ રહ્યો:સરદાર સરોવર નર્મદા ડેમના વિદ્યુત મથકે 26 દિવસમાં 20 મિલીયન યુનિટનું વિજ ઉત્પાદન કર્યું

નર્મદા (રાજપીપળા)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી 2.5 લાખ ક્યુસેક પાણીની આવક થતા નર્મદા ડેમની જળ સપાટી 135.09 મીટરે પહોંચી છે. જેને લઈને નર્મદા ડેમના પહેલા દશ દરવાજા ખોલવામાં આવ્યા હતા. બાદમાં 15 કરવામાં આવ્યા અને હાલ 0.60 મીટરથી રેડિયલ 23 ગેટ ખોલી નાખી નર્મદા નદીમાં 1 લાખ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જયારે બીજીબાજુ રિવરબેડ પાવર હાઉસ 50 હજાર ક્યુસેક પાણી ખર્ચ કરે છે. એટલે અંદાજિત હાલ નર્મદા નદીમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમ આ લેવલે જળાશયમાં હાલ 8,332.30 મિલીયન ક્યુબીક મીટર (MCM) પાણીનો સંગ્રહિત જથ્થો છે. એટલે નર્મદા ડેમ આજની સ્થિતીએ 88 ટકા ભરાઈ ગયો છે.

વડોદરાના 26 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે 12 મી ઓગષ્ટના રોજ નર્મદા ડેમના 5 દરવાજા ખોલીને 10 હજાર ક્યુસેક જેટલું પાણી ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. ત્યારબાદ 13 મીએ સવારે આશરે 7 કલાકે 5 દરવાજામાંથી બે દરવાજા બંધ કરવામાં આવ્યાં હતાં. પાણીની વધુ આવક થતા રાત્રિના 8 કલાકે 7 દરવાજા 40 સે.મી. ખોલીને કુલ-10 દરવાજા ખોલી 30 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયુ હતું. પાણીની વધુ આવકને પગલે 14 મી ઓગષ્ટને રવિવારના રોજ સવારે 11.30 કલાકે 15 દરવાજા 60 સે.મી. ખોલીને નર્મદા ડેમમાંથી આશરે સરેરાશ 60 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા નદીમાં છોડવામાં આવ્યો હતો. બપોરે 2 કલાકે 23 દરવાજા 50 સે.મી ખોલીને આશરે 80 હજાર ક્યુસેક પાણીનો જથ્થો નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યોં હતો. ત્યાર બાદ પણ ઉપરવાસમાંથી પાણીની આવકમાં સતત વધારો નોંધાતા સરદાર સરોવર નર્મદા ડેમના ખોલાયેલા 23 દરવાજાને વધુ ઉંચા કરી 1 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે ભરૂચ નર્મદા અને વડોદરાના 26 જેટલા ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે.

26 દિવસમાં 106.95 કરોડની વીજળીનું ઉત્પાદન
નર્મદા બંધની જળસપાટી વધારો નોંધાતા આશરે છેલ્લા 26 દિવસથી સરદાર સરોવર ડેમ ખાતેના ભૂગર્ભ જળ-વિદ્યુત મથક-રિવરબેડ પાવર હાઉસના તમામ 6 યુનિટ મારફત વિજ ઉત્પાદન શરૂ કરાયું. આ 26 દિવસ માં રિવરબેડ હાઉસના 200૦ મેગાવોટની ક્ષમતાવાળા 06 યુનિટ દરરોજ સરેરાશ 4 કરોડની કિંમતની વીજળી જનરેટ કરી આમ કુલ 20 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે. જે અંદાજિત 104 કરોડની થઇ જયારે બીજું 50 મેગાવોટની ક્ષમતાવાળા 04 કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા 4.8 મિલીયન યુનિટ વિજ ઉત્પાદન થયું જે 2.94 કરોડની કિંમતનું વિજ ઉત્પાદન કરાયું. આમ કુલ 106.98 કરોડની વીજળી ઉત્પાદન કરવામાં આવી.

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં
નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા ડેમની હાલની પરિસ્થિતિને અનુલક્ષીને જરૂરી અગમચેતીના પગલાનાં ભાગરૂપે નર્મદા જિલ્લા વહિવટીતંત્ર એલર્ટ મોડમાં મુકાયેલ છે. તેમજ તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકા મામલતદારો સહિત સંબંધકર્તા તમામ વિભાગના અધિકારીઓને પુરતી તકેદારી અને સાવચેતી રાખવા સંદર્ભે જરૂરી સુચનાઓ પણ જિલ્લા વહિવટીતંત્ર તરફથી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...