રાજપીપળામાં ઓર્ગેનિક ખેતી તરફ ખેડૂતોને વાળવાના એક પ્રયાસ સાથે નર્મદા સુગર ફેક્ટરી દ્વારા એક ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના ગૌસેવા કરતા અને ઓર્ગેનિક ખેતીના પ્રણેતા એવા ગોપાલ સુતરીયા એ ખેડૂતોને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું, અને જણાવ્યું હતું કે, આવનારી પેઠીને ઓર્ગેનિક ખેતી તરફ વાળવા અત્યારથી આપણે શરૂઆત કરવી પડશે. ત્યારે તેમને રાસાયણીક ખાતર છોડી ઓર્ગેનિક ખાતરથી ખેતીનું ઉત્પાદન એકદમ શુદ્ધ અને ગુણવત્તા સભર હશેની વાત કરી હતી. આ શિબિરમાં નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય દર્શના દેશમુખ, વાઈસચેરમેન અજયસિંહ પરમાર, એમ.ડી. નરેન્દ્ર પટેલ સહીત મોટી સંખ્યામાં ખેડૂતો અને આગેવાનો જોડાયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોપાલ સુતરીયા મુંબઈમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. મોટા બિઝનેસમેન હતા, તેમણે તેમના ગુરુજીના કહેવાથી તમામ રોજગાર ધંધો છોડી ગુજરાત આવી પોતાના વતનમાં અમદાવાદ ખાતે એક મોટી ગૌ શાળા બનાવી અને આજે ઊંચી પ્રજાતિની ગીર-દેશી ગાયો 800થી વધુ છે. પોતે દૂધ, ઘીનું ઉત્પાદન સહીત ગૌમૂત્ર અને છાણમાંથી પણ ખાતર બનાવે છે. જે ઓર્ગેનિક ખેતીમાં વાપરે છે. એટલું જ નહિ જે લોકો ગાયને છોડી મૂકે છે, તેવા ખેડૂતોને અને ગાય પાલકને ટકોર કરી કહ્યું કે, ગાય દૂધ આપતી બંધ થાય એટલે તરછોડી ના દો. ગાયનું મૂત્ર અને છાણ પણ એટલું જ મહત્ત્વનું છે, જેટલું દૂધ છાણ અને મૂત્ર વેચીને પણ ગાયનો ચારો આવશે સાથે કમાણી પણ થશેની વાત કરી હતી.
નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાની વાત કરી હતી. વર્ષો પહેલા નર્મદા સુગર ફેક્ટરીના ખેડૂતો 40 ટકા જેટલા ઓર્ગેનિક શેરડીની ખેતી કરી રહ્યા છે, જેનાથી રસ પણ સારો ઉતરે છે. આ ખેડૂત શિબિર પછી મોટાભાગના ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળશેની વાત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.