સમસ્યા:નર્મદામાં બોરીદ્રા અને ઝરીયા ગામ પાસે વરસાદથી વૃક્ષ ધરાશાયી થતાં માર્ગ બંધ

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
માર્ગની વચ્ચે અવરોધરૂપ બનેલા વૃક્ષને પોલીસ જવાનોએ હટાવ્યું હતું. - Divya Bhaskar
માર્ગની વચ્ચે અવરોધરૂપ બનેલા વૃક્ષને પોલીસ જવાનોએ હટાવ્યું હતું.
  • ટ્રાફિક પોલીસના જવાનોએ દોડી આવી માર્ગ ખુલ્લો કરતા વાહન વ્યવહાર રાબેતા મુજબ થયો

નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.. તમામ તાલુકાઓમાં દોઢ થી બે ઇંચ વરસાદ નોંધાયો છે. જોકે બેઠો વરસાદ ધીમી ધારે પડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી અને લોકોએ પણ ચારે કોર ઠંડક પ્રસરતા રાહતનો શ્વાસ લીધો હતો.સતત વરસાદને કારણે કેટલીક જગ્યાએ જાહેર માર્ગો પર ઝાડ જમીન દોસ્ત થઈ જતા ટ્રાફિક જામ સર્જાયા હતા. જેમાં ખાસ કરીને બોરીદ્રા અને ઝરીયા ગામે ઝાડ પડવાથી રસ્તો બંધ હતો. 10થી વધુ ગામોના લોકો માટે અવર જવાર બંધ થઈ ગઇ હતી. બનાવની જાણકારી મળતાંની સાથે ટ્રાફિક વિભાગની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી.

પોલીસ કર્મચારીઓએ ટ્રાફિકમાં નડતરરૂપ વૃક્ષોને હટાવી માર્ગ ખુલ્લો કર્યો હતો.ભરૂચ અને નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહયો છે. નર્મદા જિલ્લામાં વરસાદના કારણે લીલોતરી છવાઇ છે. નર્મદા જિલ્લો જંગલ આચ્છાદિત હોવાથી વૃક્ષોની સંખ્યા વધારે છે અને ચોમાસામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બનતાં રહે છે.

ચોમાસામાં વહીવટી અને પોલીસ વિભાગ આ બાબતે સતર્ક રહેતો હોય છે. બીજી તરફ ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. તાલુકાવાર વરસાદની વાત કરવામાં આવે તો અંકલેશ્વરમાં 6 મીમી, ઝઘડીયામાં 4 મીમી, નેત્રંગમાં 8 મીમી, ભરૂચમાં 2 મીમી, વાગરામાં 3 મીમી, વાલીયામાં 9 મીમી અને હાંસોટમાં સૌથી વધારે 19 મીમી વરસાદ વરસ્યો છે. બંને જિલ્લામાં વરસાદ ઉપરાંત નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહયું હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતાં લોકોને સાબદા કરી દેવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...