ગુજરાત વિધાનસભાની ચુંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભારે અસંતોષ ફેલાયો છે. નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પાયો નાખનાર ડો.કિરણ વસાવાએ ગંભીર આક્ષેપો લગાવી પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. આવનાર દિવસોમાં 10 હજારથી વધુ કાર્યકરો રાજીનામા આપશે તેમ જણાવ્યું હતુ.
'ભ્રષ્ટાચાર કરી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી'
ડેડીયાપાડા બેઠક માટે ડૉ. કિરણ વસાવા પણ આમ આદમી પાર્ટીના દાવેદાર હતા. ગુજરાત પ્રદેશ આદીવાસી મોરચાના જોઇન્ટ સેક્રેટરી અને નર્મદા જિલ્લા આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ ડૉ.કિરણ વસાવાએ જણાવ્યું હતું કે, આજથી ૩ વર્ષ પેહલા નર્મદા જિલ્લામાં આ આદમી પાર્ટીને કોઈ જાણતું પણ નહોતું. એવા સમયે અમે પોતાના ખર્ચે ઘરે ઘરે ફરી આમ આદમી પાર્ટીનું સંગઠન બનાવ્યું હતું, અમે નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનો પાયો નાખ્યો અને છેલ્લાં ઘણા સમયથી અમારી જ પાર્ટીમાં અવગણના કરવામાં આવી રહી છે. અમારું અપમાન કરવામાં આવે છે, અમારું કોઈ સાંભળતું નથી. આખા ગુજરાતમાં મૂળ સંગઠનના કાર્યકરોને છોડીને અન્ય પાર્ટીમાંથી આવેલા અને ભ્રષ્ટાચાર કરી આવેલા લોકોને ટિકિટ આપવામાં આવી છે.
'પૈસાના જોરે ટિકિટ વેચાતી આપે છે'
તો બીજી બાજુ આમ આદમી પાર્ટી એમ કહે છે કે અમે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત બનાવીશું. જો ભ્રષ્ટાચારીઓને ટિકિટ આપશો તો ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત કેવી રીતે બનશે. એવો આક્ષેપ લગાવ્યો હતો કે, આમ આદમી પાર્ટીએ આખા ગુજરાતમાં પૈસાના જોરે ટિકિટ વેચાતી આપી છે એટલે જૂના કાર્યકરો ખૂબ નારાજ છે. અને આ કાર્યકરો કઇ પાર્ટી તરફ જુકાવ કરશે એ જોવાનું રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.