ઉમેદવારી નોંધાવતાં દોડધામ:નાંદોદ બેઠક પર ભાજપમાં બળવો હર્ષદ વસાવાની અપક્ષ ઉમેદવારી

રાજપીપળાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના દર્શના દેશમુખ સામે આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ જંગે ચઢયાં

નર્મદા જિલ્લાની નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ સામે તેમની જ પાર્ટીના આગેવાન અને આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ બળવો પોકાર્યો છે. શુક્રવારે તેમણે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવતાં મોવડી મંડળમાં દોડધામ મચી ગઇ છે.

ગુજરાત પ્રદેશ ભાજપના આદિજાતિ મોરચાના અધ્યક્ષ હર્ષદ વસાવાએ નાંદોદ બેઠક પરથી ટિકિટ માગી હતી પણ તેમના બદલે ડૉ. દર્શના દેશમુખને ટિકિટ આપી દેવામાં આવી છે. પાર્ટીના નિર્ણયથી નારાજ થયેલાં હર્ષદ વસાવાએ બળવો પોકારી દીધો છે. શુક્રવારે તેમણે શકિત પ્રદર્શન સાથે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

તેમને અપક્ષ ઉમેદવારી કરતા પહેલા પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલને રાજીનામુ મોકલી આપ્યું છે. હર્ષદ વસાવા રેલી સ્વરૂપે ઉમેદવારીપત્રો ભરવા માટે ગયાં હતાં જેમાં ભાજપની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ જોવા મળ્યાં હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે, નાંદોદ બેઠક માટે આદિવાસી મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ પણ ટિકિટ માગી હતી.પણ છેલ્લી ઘડી સુધી તેમને આશ્વાસન આપવામાં આવ્યું હતું.

તેમના સ્થાને તેમના કટ્ટર હરીફ ગણાતાં દર્શના દેશમુખને ટિકિટ આપી દેવામાં આવતાં તેમના સમર્થકો નારાજ થઇ ગયાં હતાં. તેઓ ગઇકાલથી જ તેમના સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. સમર્થકોના કહયાં બાદ હર્ષદ વસાવાએ શુક્રવારે ઉમેદવારીપત્ર ભર્યું હતું. હજી 17મી તારીખ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાય તેમ છે. 2017ની ચુંટણીમાં હર્ષદ વસાવા ઉમેદવાર હતાં ત્યારે દર્શના દેશમુખે પણ તેમની સામે બળવો કર્યો હતો હવે બાજી પલટાય છે.

ઉમેદવારી પાછી ખેંચીશ નહિ
મે અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી છે અને હું ચુંટણી જીતશ તેવો મને વિશ્વાસ છે. જે પક્ષ વિરોધી કામ કરે એને પ્રદેશ ભાજપ જિલ્લા પ્રમુખ બનાવે છે ને ઉમેદવાર બનાવી ટિકિટ આપે છે. હાલ નકલી ભાજપ ના આગેવાનો અસલી ભાજપ ના કાર્યકરો ને હાંસિયામાં ધકેલી મુક્યા છે. હું કોઇ પણ સંજોગોમાં ઉમેદવારી પાછી ખેંચીશ નહિ. >હર્ષદ વસાવા, અપક્ષ ઉમેદવાર.

અન્ય સમાચારો પણ છે...