ગુજરાત વિધાનસભા ચુંટણીમાં નર્મદા જિલ્લાની ડેડીયાપાડા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાએ જંગી બહુમતીથી જીત મેળવી હતી. જીત મેળવ્યા બાદથી તેઓએ પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે પોતાના વિસ્તારનો પ્રવાસ કરી રહ્યા છે. ચૈતર વસાવા પાસે ડેડિયાપાડા વિસ્તારના સરપંચો અને ખેડૂતો વીજળી અને પાણીને લાગતાં પ્રશ્નોને લઈને પહોંચ્યા હતા. ચૈતર વસાવા તુરંત ખેડૂતો અને સરપંચો સાથે GEB કચેરીએ પહોંચી ગયા હતા. અને પ્રજાના પ્રશ્નો વેહલી તકે હલ કરવા હાજર કર્મચારઓને સૂચના આપી હતી.
છેલ્લા 12 દિવસથી લાઈટો નથી
ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અહીંયાના DE અચાનક રજા પર ઉતરી ગયા છે, પૂરતો સ્ટાફ પણ નથી.અહીંયા છેલ્લા 5 વર્ષથી ખેતીવાડી કનેક્શનને લગતી 1029 અરજીઓ પેંડીગ છે. તો બીજી બાજુ DE કહે છે કે, ગ્રાન્ટનો અભાવ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી 5 કિમીની રેન્જમાં આવતા ફુલસર, કંજાલ, ડુથર, હિંગાપાદર, ચોપડી, વાઘઉંમર, પાનખલા, માથાસર, કણજી, વાંદરી સહીતના ગામોમાં છેલ્લા 12 દિવસથી લાઈટો નથી. તો આ બાબતે અધિકારીઓ જણાવે છે કે, સુરતથી ટીમ મોકલી હું ચેક કરાવું છું. નર્મદા ડેમ નજીકના ગામોમાં જ પાણી માટે લોકો વલખાં મારે છે. ખેતરમાં જ્યારે TC બડી જાય ત્યારે ખેડૂતો 2 -3 મહિના સુધી ધક્કા ખાય છે. તે છતાં એમને યોગ્ય જવાબ મળતો નથી. આ વિસ્તારમા સોલાર સીસ્ટમ નિષ્ફળ ગઈ છે. આદીવાસી વિસ્તારમાં આટલી બધી તકલીફો પડે છે. ત્યારે ટ્રાયબલ બજેટના કરોડો રૂપિયા ક્યાં ગયા એ મારે સરકારને પૂછવું છે.
'સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લા બોલ કરીશું'
ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં GEB સબ સ્ટેશન બનાવવા માટે સરપંચોએ 70/70 ની જમીનો ફાળવી ઠરાવ આપી દિધો હોવા છતાં સબ સેન્ટરો ફાળવવામાં આવ્યા નથી. ગુજરાતમાં ઉધોગોને જેવી રીતે મફતના ભાવે વીજળી મળે છે. એવી રીતે ગુજરાતનાં તમામ લોકોને મફતના ભાવે વીજળી મળે એવી અમે સરકારમાં રજૂઆત કરીશું. આદીવાસીઓ સાથે સરકાર અન્યાય કરે છે, અસમાનતા રાખે છે. જો અમને સમય પર વીજળી અને પાણી આપવામાં નહિ આવે તો આવનારા સમયમાં અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હલ્લા બોલ કરીશું, નર્મદા ડેમ પર વીજળી ઉત્પન્ન થાય છે એ પાવર હાઉસ કબજે કરીશું એને નર્મદા ડેમની મુખ્ય કેનાલ પણ બંધ કરી દઈશું.
ખેતી લક્ષી વીજ કંપની જોડાણ માટે ખેડૂતો પાસે પૈસા માગવામાં આવે છે: ચૈતર વસાવાને ખેડૂતોની ફરિયાદ
ખેડૂતોએ MLA ચૈતર વસાવાને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે, ખેતી લક્ષી વીજ જોડાણ માટે પૈસા માંગવામાં આવે છે. એ બાબતે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, જ્યારે થાંભલા રોપાય ત્યારે 1500 રૂપિયા, લાઈનો ખેંચાય ત્યારે 2000 રૂપિયા અને મીટર મુકાય ત્યારે 2500 રૂપિયા ખેડૂતો પાસેથી માંગવામાં આવે છે. એવી મારી પાસે ફરીયાદ આવી છે.આગામી સમયમાં અમે GEB કચેરી ખાતે કર્મચારીઓની ઓળખ પરેડ કરીશું, જે અધિકારી અથવા કર્મચારીએ ખેડુત પાસે પૈસા લીધા હશે એની સામે કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.