નાંદોદ તાલુકાના પોઈચા ભાઠામાં નરખડી ગ્રામ પંચાયતની હદમાં ગેરકાદેસર રેતી ખનન થઈ રહ્યું હોવાના આક્ષેપ સાથે નરખડી ગ્રામ પંચાયતના મહિલા તલાટી ડો.નીતા પટેલે નર્મદા જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરતા ખડભળાટ મચ્યો છે. અગાઉ આ જ મહિલા તલાટીની ફરિયાદને પગલે નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગે એ વિસ્તારમાં અચાનક ચેકીંગ હાથ ધરી લીઝની માપણી કરી કાર્યવાહી કરી હતી, એ બાદ નરખડી ગ્રામ પંચાયતની હદમાં આ બીજા મોટા ગેરકાયદેસર રેતી ખનનની મહિલા તલાટીએ ફરિયાદ કરી છે.
મહિલા તલાટી જ્યારે ગેરકાયદેસર રેતી ખનનની બે-બે વાર ફરિયાદ કરતા હોય ત્યારે તંત્રએ આ મુદ્દે કડક કાર્યવાહી કરવી જ જોઈએ.નરખડીના મહિલા તલાટી ડો.નીતા પટેલે કરેલી લેખિત ફરિયાદ મુજબ નરખડી ગ્રામ પંચાયતનો વિસ્તાર નર્મદા નદીના કાંઠે આવેલો વિસ્તાર છે, એની સીમા રૂંઢ ગામના નદીના ભાઠાથી પોઇચા ગામ સુધી વિસ્તરેલો રેવન્યુ વિસ્તાર છે. આ વિસ્તારની નરખડી ગ્રામ પંચાયતની નદીનો અડધા ભાગમાં દિવસ રાત ગેરકાયદેસર રેતી ખનન ચાલે છે. આ બાબતે નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગમાં ફરિયાદ પણ કરી છે.
હાલમાં બીજું મોટું રેતી ખનન માં કોઈ પણ રોક ટોક વિના નરખડી ગ્રામ પંચાયતના વિસ્તારમાં રેતી અને ગ્રેવલનું ખનન થઈ રહ્યું છે. સર્વે નંબર 85, 86, 87, 88, 89, 91, 93, 94, 96 ની આજુબાજુ અને એની સામેના નદીના ભાઠામાં લાગતા 21’ 58’ 08’ N- 73’ 26’ 26’ કોર્ડીનેટસની આસપાસના આખા જ વિસ્તારમાં ભુ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર રેતી ખનન થઈ રહ્યું છે.
અમારી ગ્રામ પંચાયતનો વિસ્તાર રૂંઢ બાજુની સર્વે નંબર 442 થી પોઈચા બાજુના સર્વે નંબર 110 અને 119 સુધી લાગે છે.આ ગેરકાયદેસર રેતી ખનન બાબતે નરખડી ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પરવાનગી આપવામાં આવી નથી, ભૂ માફીયાઓ પંચાયતની જાણ બહાર રેતી ખનન કરે છે.તો આ ગેરકાયદેસર રેતી ખનન રોકવા, જવાબદારો સામે પગલાં લેવા તથા પંચાયતને થયેલા નુકશાન મુદ્દે યોગ્ય કાર્યવાહી થાય એવી અમારી માંગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.