તાજેતરમાં જી.સી.ઈ.આર.ટી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, રાજપીપળા આયોજિત ગુજરાત રાજ્ય કક્ષાનો રમતોત્સવ રાજપીપળામાં છોટુભાઈ પુરાણી વ્યાયામ વિધાલય ખાતે યોજાઈ ગયો. આ રમતોત્સવમાં સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપળાની પ્રથમ વર્ષની તાલીમાર્થી વસાવા ભૂમિકા નટવરભાઈએ યોગાસન વિભાગમાં રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી પરિવારનું તેમજ પીટીસી કોલેજનું નામ ઉજ્જવળ કર્યું હતું.
આ પ્રસંગે કોલેજના સ્ટાફ અને આચાર્ય સી.વી. વસાવાએ ભૂમિકાબેનેને અભિનંદન આપી તેમને કરેલી યોગની પ્રેક્ટિસને બિરદાવી હતી. સાથે સાથે તેમના કોચે આપેલ માર્ગદર્શનને પણ આભાર સાથે બિરદાવ્યું હતું. રાજ્ય કક્ષાની આ રમતમાં કોલેજની દ્વિતીય વર્ષની તાલીમાર્થી નેત્રા લલિતભાઈ પટેલે દિવ્યાંગ કેટેગરીમાં ચક્રફેંકમાં તૃતીય નંબર મેળવ્યો હતો. તેમજ અધ્યાપક વિભાગમાં ભાવનાબેન ભગતે ચક્રફેંક વિભાગમાં સમગ્ર ગુજરાત કક્ષાએ પ્રથમ નંબર અને શા.કે. શિક્ષક દિલિપ પટેલે ગોળાફેંકમાં ગુજરાત કક્ષાએ દ્વિતીય અને ટેબલ ટેનિશમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું. આ રમતોત્સવમાં ગુજરાતની ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ અને અધ્યાપક ભાઈ-બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.