નવી હોસ્પિટલનું ગોકળ ગતિએ ચાલતું કામ:રાજપીપળા સિવિલ હોસ્પિટલને હાઇવે માર્ગ પર આવેલી કોવિડ હોસ્પિટલ ખાતે ખસેડાઈ, સ્થાનિક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

નર્મદા (રાજપીપળા)8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવી બની રહેલી હોસ્પિટલનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલતું હોવાથી એકમાત્ર વિકલ્પ કોવિડ હોસ્પિટલ
  • બહાર હાઇવે માર્ગ પર આવેલી હોસ્પિટલ સુધી આવવા-જવામાં 100 રૂપિયા ભાડું બગડતું હોવાની સ્થાનિકોમાં ચર્ચા
  • જૂનું મકાન જોખમી અને જર્જરિત, ઉપરથી પરવાનગી બાદ કોવિડ હોસ્પિટલમાં શિફ્ટિંગ કર્યું - સિવિલ સર્જન

નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળાની સિવિલ હોસ્પિટલ અચાનક હાઇવે માર્ગ પર આવેલી કોવિડ હોસ્પિટલમાં શિફ્ટ કરાતાં દર્દીઓ જૂની હોસ્પિટલમાં આવી ધક્કે ચઢયા હતા. જો કે જૂની હોસ્પિટલનું મકાન વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને જીતનગર ખાતે નવી બની રહેલી હોસ્પિટલનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલતું હોવાથી એકમાત્ર વિકલ્પ કોવિડ હોસ્પિટલ હતો અને ત્યાં સિવિલ સતાધીશો દ્વારા જરૂરી સામાન ખસેડવાની સૂચના મળતાં હાલમાં કોવિડ હોસ્પિટલમાં આ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે.

મફત ઈલાજ માટે આવતા ગરીબ દર્દીઓની આર્થિક હાલત બગડશે
સ્થાનિક દર્દીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા દર્દીઓના મતે જૂની હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ રખાય અને ત્યાં આવતા દર્દીઓને સરકારી વાહનમાં કોવિડ હોસ્પિટલમાં ખસેડાય તો સારું. નહિ તો કોવિડ હોસ્પિટલમાં જવા આવવા માટે રીક્ષા ભાડું જ 100 રૂપિયા જેવું ખર્ચાઈ જતા મફત ઈલાજ માટે આવતા ગરીબ દર્દીઓની આર્થિક હાલત બગડશે.

જૂનું મકાન જોખમી અને જર્જરિત - સિવિલ સર્જન
આ બાબતે સિવિલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તા એ જણાવ્યું કે જૂનું મકાન જોખમી અને જર્જરિત છે. માટે ઉપરથી પરવાનગી બાદ અમે કોવિડ હોસ્પિટલમાં શિફ્ટિંગ કર્યું છે. બાકી રહી વાત ઇમરજન્સી કે અન્ય સેવાની તો તે જૂની હોસ્પિટલમાં રાખવા બાબતે અમે કોઈ આયોજન કરીશું.

અન્ય સમાચારો પણ છે...