આદિવાસી મતદારો:આદિવાસી મતોના વિભાજનથી પરિણામ પર પ્રશ્નાર્થ

રાજપીપલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાંદોદમાં ભાજપમાં જયારે દેડીયાપાડામાં બીટીપીમાં બળવો થયો છે નાંદોદમાં 58 ટકા અને દેડીયાપાડામાં 84 ટકા આદિવાસી મતદારો

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીનું રણશિંગુ ફુંકાય ચુકયું છે ત્યારે નર્મદા જિલ્લાની બે વિધાનસભા બેઠકો નાંદોદ અને દેડીયાપાડામાં રાજકીય સમીકરણો બદલાય તેવી પુરેપુરી સંભાવના રહેલી છે. નાંદોદ બેઠક પર ચાર જયારે દેડીયાપાડામાં પાંચ ઉમેદવારો મેદાનમાં રહયાં છે. નાંદોદમાં ભાજપમાં જયારે દેડીયાપાડામાં બીટીપીમાં બળવો થયો હોવાથી આ વખતની ચુંટણીમાં આદિવાસી મતો નિર્ણાયક બનશે. 2017માં થયેલી વિધાનસભાની ચુંટણીના પરિણામો પર નજર નાખવામાં આવે તો નાંદોદ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો વિજય થયો હતો.

આ સમયે બીટીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું. તેવી જ રીતે ડેડીયાપાડામાં પણ બીટીપીના ઉમેદવાર વિજયી બન્યાં હતાં. ચાલુ વર્ષે નાંદોદ બેઠક પર કોંગ્રેસે વર્તમાન ધારાસભ્યની ટીકીટ કાપીને 2012માં ચુંટણી લડેલા ઉમેદવારને ટીકીટ આપી છે. ભાજપે આ વર્ષે પુર્વ સાંસદ સ્વ. ચંદુભાઇ દેશમુખના પુત્રીને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક માટે ટિકિટ જાહેર થતાંની સાથે ભાજપમાં ભડકો થયો છે. ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ હર્ષદ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આપના ઉમેદવાર મેદાનમાં છે.

નાંદોદ બેઠકના 2,35,056 મતદારો આ ચાર ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. જયારે ડેડીયાપાડા બેઠક માટે ભાજપે 30 વર્ષીય યુવાનને ટીકીટ આપી છે. આ ઉમેદવાર રાજયના સૌથી નાની ઉમંરના ઉમેદવાર છે. કોંગ્રેસે જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ જેરમાબેન વસાવાને મેદાનમાં ઉતાર્યા છે. બીટીપીમાંથી બળવો કરી ચૈતર વસાવા આપમાંથી ચુંટણી લડી રહયાં છે જયારે બીટીપીમાંથી બહારદુર વસાવા ઉમેદવાર છે. યુવા ચહેરો અને રાજ્યમાં સૌથી નાનો ઉમેદવાર 30 વર્ષીય હિતેશ વસાવાને ઉતાર્યો છે. જેની સામે કોંગ્રેસે મહિલા ઉમેદવાર જેરમાબેન વસાવા ને ઉતાર્યા છે. ત્યારે અહીંયા આપ ના ઉમેદવાર ચૈતર વસાવા પણ ટક્કર આપી શકે તેવી મહેનત કરે છે આમ ડેડીયાપાડા બેઠક પર પણ ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. ડેડીયાપાડા બેઠકના 2,22,647 મતદારો આ ઉમેવારોનું ભાવિ નક્કી કરશે.

નાંદોદ બેઠક પર 5 જયારે ડેડીયાપાડા બેઠક ઉપર 4 ઉમેદવારો વચ્ચે જંગ ખેલાશે

આદિવાસી મતો નિર્ણાયક શા માટે ?
2017માં થયેલી વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ અને બીટીપી વચ્ચે ગઠબંધન થયું હતું. જેના કારણે બીટીપીએ નાંદોદ બેઠક પર જયારે કોંગ્રેસે ડેડીયાપાડા બેઠક પર પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો. નાંદોદમાં કોંગ્રેસના પી.ડી.વસાવા 6,374 મતથી જયારે દેડીયાપાડામાં બીટીપીના મહેશ વસાવા 21,751 મતથી વિજેતા બન્યાં હતાં. આ ગઠબંધનના કારણે આદિવાસી મતોનું વિભાજન અટકી જતાં ભાજપને હારનો સામનો કરવો પડયો હતો.

ડેડીયાપાડાના ભાજપના ઉમેદવાર રાજયમાં સૌથી ઓછી ઉમંરના
ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી દેડીયાપાડા બેઠક પર ભાજપે જિલ્લા પંચાયતના સભ્ય હિતેશ વસાવાને ટીકીટ આપી છે તેમની ઉમંર માત્ર 31 વર્ષ છે અને તેઓ રાજયમાં સૌથી ઓછી વય ધરાવતાં ઉમેદવાર છે. આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય મહેશ વસાવાએ જ ઉમેદવારી ન નોંધાવી ઝઘડીયામાંથી ફોર્મ ભર્યું હતું પણ છેલ્લી ઘડીએ ઉમેદવારી પાછી ખેંચી પિતાને ટેકો જાહેર કર્યો હતો.

ભાજપને ભાજપ અને બીટીપીને બીટીપી જ નડશે
નાંદોદ બેઠક પર ભાજપના ઉમેદવાર દર્શના દેશમુખ સામે બળવો કરીને ભાજપના હર્ષદ વસાવાએ ઉમેદવારી નોંધાવી છે. તેવી જ રીતે દેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાના એક સમયના સાથીદાર ચૈતર વસાવાએ આપમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ આ ચુંટણીમાં ભાજપને ભાજપ અને બીટીપીને બીટીપી જ નડે તેવી સ્થિતિ ઉભી થઇ છે.

અમિત શાહે જાહેર સભા સંબોધી
દેડીયાપાડા બેઠક પર આપના વધી રહેલા પ્રભાવને ખાળવા માટે ભાજપે રાષ્ટ્રીય નેતાઓને મેદાનમાં ઉતારી દીધાં છે. રવિવારે સાંજે દેશના ગૃહમંત્રી અમિત શાહે જાહેરસભાને સંબોધિત કરી હતી. આ જાહેરસભામાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતાં. આ બેઠક પર અગાઉ આપના અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન પણ જાહેરસભાઓ કરી ચુકયાં છે.

દેડીયાપાડા બેઠકનું જાતિવાર વર્ગીકરણ

આદિવાસી84 %
બક્ષીપંચ07 %
સામાન્ય05 %
અનુ.જાતિ02 %
અન્ય02 %

નાંદોદ બેઠકનું જાતિવાર વર્ગીકરણ

આદિવાસી58 %
બક્ષીપંચ11 %
સામાન્ય18 %
અનુ.જાતિ06 %
અન્ય07 %
અન્ય સમાચારો પણ છે...