શામળાજીથી વાપી સુધીના ફોર લેન હાઇવે માટે જમીન સંપાદનની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં નર્મદા જિલ્લાના નાંદોદ, તિલકવાડા અને ગરૂડેશ્વર તાલુકાના ખેડૂતોમાં વિરોધ શરૂ થઇ ગયો છે. દિલ્હી-મુંબઈ 4 લેન રોડ માટે શામળાજીથી વાપી સુધી 4 લેન રોડ બનવાની કામગીરી હાલ ચાલી રહી છે.
શામળાજીથી હાલોલ સુધીનો 4 લેન રોડ હાલમાં બનીને તૈયાર પડ્યો છે.હવે વાપી સુધીનો રોડ નર્મદા જિલ્લાના તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકામાંથી થઈને આગળ જશે.માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના હાઇવે પરના વિવિધ ગામોની જમીન સંપાદન માટે વાંધા અરજી રજૂ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.
તો બીજી બાજુ તિલકવાડા, ગરુડેશ્વર અને નાંદોદ તાલુકાના હાઇવે પરના વિવિધ ગામોએ ગ્રામસભા યોજી દિલ્હી-મુંબઈ 4 લેન હાઈવે માટે જમીન સંપાદનનો વિરોધ કરતા સરકારી તંત્ર અવઢવમાં મુકાયું છે.હાલમાં જ નાંદોદ તાલુકાના વાવડી ગ્રામપંચાયતે ગ્રામસભા યોજી જમીન સંપાદનનો વિરોધ કર્યો છે.અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ તો બની ગયો પરંતુ હજુ સુધી ઘણા ખેડૂતોને જમીન સંપાદનનુ વળતર હજુ સુધી મળ્યું નથી.
બીજી બાજુ અંકલેશ્વરથી રાજપીપળા સુધી બ્રોડગેજ રેલ્વે લાઈન માટે સરકારે કરેલી જમીન સંપાદનનુ વળતર પણ હજુ સુધી ખેડૂતોને મળ્યું ન હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે સરકારની આવી નીતિને લીધે જ દિલ્હી-મુંબઈ 4 લેન હાઈવે માટે જમીન સંપાદનનો નર્મદા જિલ્લાના ખેડૂતોએ વિરોધ કર્યો છે એવું ખેડૂતો જણાવી રહ્યા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લા આદીવસીઓ ખેતી પર નભે છે.આ વિસ્તારમા કોઈ મોટા ઉદ્યોગો પણ નથી, એટલે જો આદિવાસી ખેડૂતોની ખેતી માટેની મહામુલી જમીન જો સંપાદિત થાય તો એમને ભૂખે મરવાનો વારો આવે એમ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સરકાર જો આ જમીન સંપાદનનો નિર્ણય પરત નહિ ખેંચે તો નર્મદા જિલ્લાના ખેડૂતો ભારે લડત ચલાવવાનુ મનબનાવી ચૂક્યા છે.તો આવનારા સમયમાં જિલ્લાનાં ખેડૂતો પોતાની જમીનો બચાવવા ઉગ્ર આંદોલન ચલાવશે એવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. ભરૂચમાં પણ અગાઉ ખેડૂતો વિરોધ કરી ચુકયાં છે.
દિલ્હી-મુંબઈ 4 લેન હાઈવે માટે ક્યા ક્યા ગામોની જમીન સંપાદિત થશે
આ હાઇવે માટે ગરુડેશ્વર તાલુકાનુ અક્તેશ્વર, ફૂલવાડી, ગલુપૂરા, ગરુડેશ્વર, મોટી રાવલ, નાના ઝુંડા, નવા વાઘપુરા, સમારીયા, વાંસલા અને વેલછંડી જ્યારે તિલકવાડા તાલુકાના ઓલવા, ડાભેડ, દેવલીયા, ગેંગડીયા, જેતપુર, કોયારી, નવાપુરા, રતુડીયા, શિરા, સુરવા, ઉચાદ જ્યારે નાંદોદ તાલુકાના આંબલી, બિતાડા, બોરિદ્રા, ગાડીત, જીતનગર, ખુટાઆંબા, મોટા લીમટવાડા, મોટા રાયપુરા, નાના લીમટવાડા, નાના રાયપરા, વડીયા અને વાવડી ગામોની જમીન સંપાદિત થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.