વાકપ્રહારો:PM, એવું પણ બટન દબાવો કે મોંઘવારી દૂર થાય : છોટુ વસાવા

રાજપીપળા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ ફરી ભાજપ પર વાકપ્રહારો કર્યા
  • ​​​​​​​અંકલેશ્વરથી રાજપીપળાના રોડની અધૂરી કામગીરી સામે પણ સવાલો કર્યા

રાજયમાં વિધાનસભાની ચુંટણી પહેલાં આદિવાસી વિસ્તારોમાં રાજકીય ધમાસાણ ચાલી રહયું છે. મોંઘવારી મુદ્દે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું છે કે, વડાપ્રધાન દીલ્હીથી બટનો દબાવી ઉદઘાટનો કરી રહયાં છે તો તેમણે એક એવી પણ સ્વીચ દબાવવી જોઇએ કે મોંઘવારી દુર થઇ જાય.

મોંઘવારી મુદ્દે ઝઘડિયાના ધારાસભ્ય અને BTP ના સંયોજક છોટુ વસાવાએ ભાજપ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેશના લોકો ભાજપ સરકાર થી દુઃખી થઇ ગયા છે એક હથ્થું શાસન ચાલી રહ્યું છે. સાથે સાથે પોલીસ તંત્ર પણ ભાજપ સરકારના ઈશારે ચાલતું હોવાનો આક્ષેપ કર્યાં હતાં.

ઝઘડિયા તાલુકાના રોડ રસ્તાઓમાં ભાજપ સરકારના નેતાઓ પૈસા ખાઈ ગયા હોવાનો આક્ષેપ ધારાસભ્ય કર્યાં હતા તેમજ વાલિયા ઝઘડિયાને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું એ રસ્તો પણ પૂરતો બનાવવામાં આવ્યો નથી તેના પૈસા પણ ભાજપ સરકારને ચૂંટણી ફંડમાં વાપરી લીધા હોવાનાં આક્ષેપ કરવામાં આવ્યાં હતાં.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી સ્વીચ દબાવે તો ખેડૂતોના ખાતામાં સહાય પહોંચે છે ત્યારે પ્રધાનમંત્રી એવી પણ કોઇ સ્વીચ દબાવે કે જેથી મોંઘવારી ગાયબ થઇ જાય..અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા જિલ્લામાં બે વિધાન સભા સીટ પર સૌ ની મીટ મંડાયેલી છે. ત્યારે તાજેતરમાં મનસુખ વસાવાએ નાંદોદ ડેડિયાપાડા અને ઝઘડિયા ત્રણેય સીટો ભાજપ જીતશે તેવો દાવો કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...